રાજકોટઃ રાજકોટની ભક્તિનગર પોલીસે ધોરણ 10 પાસ નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો હતો.આ નકલી ડોક્ટર અરવિંદ નરસિંહભાઈ પરમાર તિરૂપતિ બાલાજી પાર્કમાં ક્લિનિક ચલાવતો હતો. તપાસ કરી તો જાણવા મળ્યું આ નકલી ડોક્ટર પાસે કોઈ પણ પ્રકારની મેડિકલની ડિગ્રી છે જ નહીં. પોલીસે બાતમીના આધારે તેના ક્લિનિક પર રેડ કરીને તેને રંગેહાથ ઝડપી લીધો હતો. આ શખસ છેલ્લા કેટલાક દિવસોથી લોકોના આરોગ્ય સાથે ખૂલ્લેઆમ ચેડાં કરતો હતો, જેના ક્લિનિક પરથી પોલીસે એલોપેથિક દવાઓ, ઈન્જેક્શન તેમ જ મેડિકલ પ્રેક્ટિસ માટેના સાધનો કબજે કર્યા હતા.
પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, ઝડપાયેલા આરોપીએ માત્ર ધોરણ 10સુધીનો અભ્યાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં એક તરફ કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે. ત્યારે બીજી તરફ શહેરમાંથી લોકોના આરોગ્ય સાથે ખૂલ્લેઆમ ચેડાં કરતા શખસ ઝડપાઈ રહ્યા છે.