- પ્રમાણપત્રમાં મોત કેવી રીતે થયું તે પ્રસિદ્ધ કરવાની મનાઇ છે
- ઓનલાઇન જન્મ-મરણના દાખલા ઝડપથી મળે છે
- મે માસમાં 9,200ના જેટલા મોત નોંધાયા
- રાજકોટમાં ત્રણ સ્થળોએ જન્મ-મરણના દાખલા કાઢવામાં આવે છે
રાજકોટ: રાજ્ય સરકાર દ્વારા ઓનલાઈન મરણના દાખલ માટેનું પોર્ટલ બનાવ્યું છે. હજુ પણ મરણના દાખલા કઢાવવા માટે મહાનગરપાલિકા કચેરી બહાર મોટી સંખ્યામાં લોકોની લાઈનો જોવા મળે છે. જેને લઈને રાજકોટમાં હાલ ક્યાં પ્રકારની વ્યવસ્થા છે તે જાણવા માટે ETV Bharat દ્વારા રિયાલિટી ચેક (REALITY CHECK) કરવામાં આવ્યું હતું. જેમાં સામે આવ્યું હતું કે રાજકોટમાં છેલ્લા બે મહિનામાં 13 હજાર કરતાં વધુ લોકોના મોતની નોંધણી થઈ છે. જે કહી શકાય છે કે સૌથી વધુ છે. જ્યારે કોરોના વાઇરસ નહોતો ત્યારે મહિને 1500 લોકોના મોતની નોંધણી થતી હતી પરંતુ કોરોનાની બીજી લહેરમાં સોથી વધુ માત્ર બે મહિનામાં જ મૃત્યુની નોંધ થઇ છે. આ નોંધ પરથી ખ્યાલ આવી શકે છે કે, રાજકોટમાં છેલ્લાં બે મહિનામાં કોરોનાના કારણે મોતના આંકમાં પણ વધારો થયો છે.
આ પણ વાંચોઃ રામનાથપરા સ્મશાન ગૃહનો 50 ટકા સ્ટાફ કોરોના પોઝિટિવ થયો
ઓનલાઈન જન્મ-મરણના દાખલા તાત્કાલિક મળે છે
રાજ્ય સરકાર દ્વારા મરણના દાખલા માટે ઓનલાઈન પોર્ટલની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેમાં હોસ્પિટલ દ્વારા જેતે વિસ્તારમાંથી આ જન્મ અથવા મરણની માહિતી પોર્ટલ પર નાખવામાં આવે એવી તરત જ આ મહિતીના આધારે જન્મ-મરણ વિભાગ દ્વારા આ માહિતી પોર્ટલ પર અપડેટ કરવામાં આવે છે અને ત્યારબાદ આ માહિતીના આધારે જે તે વ્યક્તિનો એપ્લિકેશન નંબર ડિસ્પ્લે થાય છે. ત્યારબાદ માત્ર ગણતરીના કલાકોમાં જ આ દાખલા ડાઉનલોડ કરી શકે છે. જ્યારે ઓફલાઇન દાખલા કઢાવવા માટેની પ્રોસેસ અલગ હોય છે. ઓનલાઈન પોર્ટલમાં રાજકોટમાં હજુ સુધી કોઇપણ પ્રકારની ખામી આવી નથી તેવું જાણવા મળ્યું છે.
ઓફલાઇન દાખલા ત્રણ દિવસમાં કાઢી આપવામાં આવે છે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઓનલાઈન અને ઓફલાઇન બન્ને પ્રકારે જન્મ-મરણના દાખલા કાઢી આપવામાં આવી રહ્યાં છે. જેમાં ઓફલાઇન દાખલા કઢાવવા માટે જે તે હોસ્પિટલમાં મરણ થયું હોય તો ત્યાંની અરજી અથવા ઘરે મૃત્યુ થયું હોય તો ફાયર વિભાગમાં થયેલી નોંધના આધારે ઓફલાઇન દાખલો કાઢી આપવામાં આવે છે. આ ઓફલાઇન દાખલા રાજકોટ મનપાની અલગ અલગ ત્રણ જેટલી ઝોન ઓફીસમાંથી હાલ કાઢી આપવામાં આવે છે. જેમાં અરજદારે મૃત્યુની નોંધ અને માહિતી લઈને મનપાની ઓફીસ ખાતે જવાનું હોય છે. જેના આધારે વધારેમાં વધારે ત્રણ દિવસમાં આ મરણના દાખલા કાઢી આપવામાં આવે છે.
છેલ્લા બે મહિનામાં 13 હજાર મૃત્યુની એન્ટ્રી થઈ
રાજકોટ મનપામાં હાલ મરણના દાખલાની શુ સ્થિતિ છે તે અંગે જન્મ-મરણના વિભાગના અધિકારીએ પીડી જોશીએ જણાવ્યું હતું કે, રાજકોટમાં અમારે એવરેજ મહિનાના 1500 લોકોના મોતની નોંધણી થતી હોય છે પરંતુ એપ્રિલ અને મે માસમાં સૌથી વધુ લોકોના મોતની નોંધણી થઈ છે. જેમાં એપ્રિલમાં 4,475 લોકોના અને મે મહિનામાં 9,200 જેટલા મોતની નોંધણી થઈ છે જે અત્યાર સુધીમાં સૌથી વધુ મરણ નોંધાયા છે. જ્યારે હાલ જકોટમાં ત્રણ જગ્યાએ દાખલાઓ આપવામાં આવી રહ્યા છે. જેમાં ઇસ્ટઝોન, વેસ્ટઝોન અને સેન્ટ્રલ ઝોન ખાતે આ દાખલા આપવામાં આવી રહ્યા છે. તેમજ જે તે કચેરી ખાતે જ આ દાખલા માં સુધારા વધારા પણ કરી શકાય છે.
આ પણ વાંચોઃ રાજકોટ રામભરોસે, અંતિમવિધિ માટે એક સાથે અનેક મૃતદેહો ભેગા રાખવા પડ્યા
મૃત્યુનું કારણ પ્રદર્શિત કરવાની મનાઇ હોય છેઃ પીડી જોશી
રાજકોટ જન્મ-મરણ વિભાગના અધિકારી પીડી જોશીએ જણાવ્યું હતું કે, જન્મ-મરણ નોંધણી અધિનિયમ-1969ની કલમ નંબર -17 (ખ) મુજબ મરણનું કારણ પ્રદર્શિત કરવાની મનાઈ હોય છે. જ્યારે અરજદાર ફોર્મ ભરે છે તે ફોર્મમાં કેવી રીતે મૃત્યુ થયું છે તે લખવાનું હોય છે પરંતુ એમે આ અંગેનું પ્રમાણપત્ર જ્યારે આપીએ છીએ ત્યારે તેમાં અમે જે તે અરજદારના ફેમિલી મેમ્બર્સની મૃત્યુ કેવી રીતે થયું તે પ્રસિદ્ધ કરતા નથી.
દાખલા કઢાવવા માટે અરજદારોની લાંબી કતાર
મરણના દાખલા કઢાવવા માટે આવેલા અરજદારો સાથે ETV Bharatના સંવાદદાતાએ વાતચીત કરી હતી. જેમાં જયેશભાઇ સોનગરા દ્વારા જણાવવામાં આવ્યું હતુ કે, અમે છેલ્લા ત્રણ દિવસથી આ મરણનાં દાખલ માટે અહીં લાઈનમાં ઉભા છીએ પરંતુ હજુ સુધી અમારો નંબર આવ્યો નથી. જ્યારે અધિકારીઓ પણ નંબર પ્રમાણે વારો આવશે તેવું જણાવી રહ્યા છે. હું દ્વારકા ખાતેથી અહીં મારા બેનના મૃત્યુનો દાખલો કઢાવા માટે આવ્યો છું. જ્યારે નિખિલભાઈના પિતાનું મોત 21 દિવસ પહેલા થયું હતું. તેઓ ત્રણ દિવસ અગાઉ અહીં દાખલો લેવા માટે આવ્યા હતા પરંતુ હોસ્પિટલ દ્વારા તેમના પિતાની માહિતી મોકલવામાં આવી નહિ હોવાના કારણે તેમનો દાખલો નીકળ્યો નહોતો તેવું તેમને જણાવ્યું હતું.