- રાજકોટના ધારાસભ્ય દ્વારા કોરોનાને લઈને કરાયું હતું નિવેદન
- નિવેદનને લઈને ભારે હોબાળો થતા માંગવી પડી માફી
- તાત્કાલિક માફી માંગવામાં આવતા વિવાદ થયો શાંત
રાજકોટઃ આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોરોના સંક્રમણના વધતા કેસોને લઈને એક બેઠક યોજાઇ હતી. જેમાં રાજકોટ જિલ્લાના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાજકોટ શહેર-જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસો લઈને આગામી રણનીતિ અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જોકે આ બેઠકમાં ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. બેઠક બાદ ગોવિંદ પટેલે નિવેદન આપ્યું હતું કે, "કાળી મજૂરી કરનાર લોકોને કોરોના થતો નથી. જ્યારે અમારા નેતાઓ અને કાર્યકર્તાઓએ ચૂંટણીમાં કાળી મજૂરી હતી. જેને લઇને અમારો એક પણ કાર્યકર્તા કોરોના પોઝિટિવ આવ્યો નથી."
ધારાસભ્યના વિવાદીત નિવેદન બાદ મામલો ગરમાયો
ધારાસભ્ય ગોવિંદ પટેલના આ પ્રકારના નિવેદનને લઈને વિવાદ સર્જાયો હતો. ત્યારે આ અંગે ETV ભારત દ્વારા ગોવિંદ પટેલ સાથે વાતચીત કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, "મેં મારા નિવેદનમાં જે ખેતરમાં કામ કરતાં લોકો સાથે ભાજપના કાર્યકર્તાઓને જોડ્યા હતા. જેને લઈને વિવાદ થયો હતો. મારા નિવેદનને લઈને હું માફી માગુ છું અને મારા શબ્દો પાછા ખેંચું છું. જે કોઈને દુઃખ થયું હોય તેમની હું માફી માગું છું."
ધારાસભ્ય ગોવિંદ પટેલે માંગી માફી
ગોવિંદ પટેલના નિવેદનને લઈને ETV ભારત દ્વારા તેમની સાથે ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે તેમને પોતાના નિવેદન અંગેની સ્પષ્ટતા પણ કરી હતી. આ સાથે જ પોતે જે વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું, તેને લઈને જો કોઈની પણ લાગણી દુભાઇ હોય તો તેમની માફી માંગવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, એક ધારાસભ્ય દ્વારા કોરોના કેસને લઈને આ પ્રકારના નિવેદનના કારણે રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો, પરંતુ ગોવિંદ પટેલ દ્વારા તાત્કાલિક માફી માંગવામાં આવતા સમગ્ર મામલો શાંત પડ્યો હતો.