- અમરેલીની સાડા ત્રણ વર્ષની દુષ્કર્મ પીડિતાનું રાજકોટના તબીબોએ કર્યું સફળ ઓપરેશન
- આરોપીએ બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય કર્યું હતું
- બાળકીના મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો
રાજકોટ : અમરેલીની સાડા ત્રણ વર્ષની દુષ્કર્મ પીડિતાનું રાજકોટના તબીબો દ્વારા સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટી વિરુદ્ધના કૃત્ય દરમિયાન ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના કારણે આ બાળકીના મળ-મુત્ર માર્ગ એક થઇ ગયો હતો. સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યુ છે.
બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય
અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારી લાજવંતી બધેકા જણાવે છે કે, મે, 2020માં અમારા જિલ્લાના એક શહેરમાં કાચા ઝૂપંડામાં રહેતી દીકરીને એક શખ્સ ઉપાડીને લઇ ગયો હતો. જે બાદ આ શખ્સે બાળકી પર દુષ્કર્મ અને સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્ય આચરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. જે બીજા ગામની સીમમાં ફેંકી દેવામાં આવી હતી. અમરેલીના કલેક્ટરના આદેશથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા આ બાળકી અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કરી તેનો અહેવાલ આપ્યો હતો.
બાળકીને થયેલી ઇજાથી યોની માર્ગ અને મુત્ર માર્ગ એક થઇ ગયો હતો
આ ઘટના બાદ સપ્ટેમ્બર માસમાં સખી વન સ્ટોપ સેન્ટર અમરેલીના સ્ટાફ દ્વારા ફરી આ બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવતા દીકરીની માતાએ જણાવ્યુ હતું કે, તેમની પુત્રીને થયેલી શારીરિક ઇજાને કારણે યોની માર્ગ અને મુત્ર માર્ગ એક થઇ ગયો છે. અમરેલીની સરકારી હોસ્પિટલમાં તપાસ કરાવ્યા બાદ તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર અને સર્જરી માટે દાખલ કરવામાં આવી હતી.
સખી વન સ્ટોપ સેન્ટરના પ્રયાસોથી બાળકીને નવજીવન મળ્યુ
રાજકોટ અને અમરેલીના જિલ્લા મહિલા બાળ અધિકારી ડૉ. જનકસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ રાજકોટ સખી વન સ્ટોપ સેન્ટરની મદદથી આ બાળકીની સફળ સર્જરી- સારવાર રાજકોટ સિવિલના પિડિયાટ્રિક અને ગાયનેકની ટીમ દ્વારા કરવામાં આવી છે. આમ રાજકોટ અને અમરેલીના સખી વન સ્ટોપ સેન્ટરના સંયુક્ત પ્રયાસોથી બાળકીને નવું જીવન પ્રાપ્ત થયુ છે.