- ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ કાર્યક્રમમાં કૃષિપ્રધાન આર.સી ફળદુએ હાજરી આપી હતી
- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ બદલવાને લઈને સૌરાષ્ટ્રભરમાં ભારે ચર્ચા જાગી છે
- રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ સૌરાષ્ટ્રની ભૂમિ પર થયો હતો
રાજકોટઃ દેશના રાષ્ટ્રીય શાયર અને જગવિખ્યાત સાહિત્યકાર એવા ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા ઠેર-ઠેર કાર્યક્રમ ઉજવવામાં આવી રહ્યા છે. જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ઝવેરચંદ મેઘાણી સ્મૃતિમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના કૃષિપ્રધાન આર.સી ફળદુએ વિશેષ હાજરી આપી હતી. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને કોંગી નેતા ડો. નિદત બારોટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નામ સાથે ઝવેરચંદ મેઘાણીનું નામ જોડીને “રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી” નામકરણ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો- સત્તાનો આ તો કેવો નશો, ભાજપ મેઘાણી પરિવારના સભ્યોનું પણ નામ લખવાનું ભૂલ્યા, કોંગ્રેસ અને AAPએ કર્યા પ્રહાર
મુખ્યપ્રધાનને પત્ર લખીને નામ બદલવાની કરી માંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ સભ્ય અને કોંગ્રેસ નેતા ડો.નિદત બારોટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. તેમાં જણાવ્યું છે કે, ગુજરાતની ઉત્તર ગુજરાત યુનિવર્સિટી હેમચંદ્રાચાર્યજીના નામ સાથે, દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વીર નર્મદ સાથે તેમજ જૂનાગઢ યુનિવર્સિટી નરસિંહ મહેતાના નામ સાથે, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ પણ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરીકે બદલીને 125મી જન્મજયંતિની ઉજવણીના આ વર્ષને આપણે યાદગાર બનાવી શકીએ.
આ પણ વાંચો- ઝવેરચંદ મેઘાણીની કલમમાં જોમ અને ખુમારી : નીતિન પટેલ
સૌરાષ્ટ્ર એ મેઘાણીની જન્મભૂમિ: બારોટ
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનો જન્મ સૌરાષ્ટ્રની ભૂમિ પર થયો હતો, જ્યારે રાજકોટ પણ તેમનું કાર્યક્ષેત્ર રહેલું છે. એવામાં ડો. નિદત બારોટ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે તેમનું નામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે જોડવું જોઈએ તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આભૂષિત કરવી જોઈએ. જો કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું નામ બદલવાને લઈને સૌરાષ્ટ્રભરમાં ભારે ચર્ચા જાગી છે.