- રાજકોટ ખાતે યોજાઈ ખેડૂતોની આક્રોશ રેલી
- કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં રેલી યોજાઈ
- પાક નુકસાનીમાં સરકાર દ્વારા યોગ્ય વળતર ન ચૂકવાતા કરી રેલી
રાજકોટ: ઉપલેટામાં આજે કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા (Congress MLA Lalit Vasoya)ની આગેવાનીમાં ખેડૂતોની આક્રોશ રેલી (Farmers' Outrage Rally) યોજાઈ હતી. આ આક્રોશ રેલીમાં ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા સહિતના ખેડૂતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ખેડૂતોને પાક નુકસાનીમાં સરકાર દ્વારા યોગ્ય વળતર ન ચૂકવાતા રેલી યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ઉપલેટા પંથકમાં અતિવૃષ્ટિ (Heavy Rains in Upleta)ના કારણે ખેડૂતોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ભારે વરસાદના કારણે ખેડૂતોને નુકસાન
ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે સમગ્ર ઉપલેટા પંથકના ખેડૂતોએ ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે સરકાર દ્વારા અપાયેલી સૂચના મુજબ સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે બાદ સરકાર દ્વારા સહાય જાહેર કરવામાં આવી છે. તેમાં મોટાભાગના ઉપલેટા તાલુકાના ગામો કે જે ખરેખર નુકસાનગ્રસ્ત છે તેમને સરકારી સહાયની યાદીમાંથી બાકાત રખાતા ઉપલેટા પંથકના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું
ખેડૂતોમાં ભભૂકેલા રોષને લઈને ધોરાજી-ઉપલેટાના કોંગ્રેસના MLA લલિત વસોયાએ ખેડૂત આગેવાનો સાથે મળીને ઉપલેટા શહેરના રાજમાર્ગો પર આક્રોશ રેલી કાઢી હતી અને વિવિધ માંગણીઓ સાથે ઉપલેટા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડૂત આક્રોશ રેલીમાં ગુજરાતના જાણીતા ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયા અને ડાયાભાઈ ગજેરા પણ જોડાયા હતા.
સરકારના નીતિ-નિયમો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા
રેલી બાદ નુકસાની અંગે સરકાર દ્વારા જાહેર કરાયેલા નીતિ-નિયમો અંગે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. તાજેતરમાં જે વીજળીના પ્રશ્નો ઉદભવતા જોવા મળી રહ્યા છે તેને લઈને આવેદનપત્ર પાઠવીને ખાસ રજૂઆતો કરવામાં આવી હતી.
આ પણ વાંચો: રાજકોટ પોલીસે ડ્રોન વડે દારૂની ભઠ્ઠીઓ પર પાડ્યા દરોડા, 43 લીટર દારૂ ઝડપાયો
આ પણ વાંચો: જૂનાગઢની મહિલા ત્રણ બાળકો સાથે પ્રેમી સાથે રહેવા ગઈ