- વીરપુર નેશનલ હાઇવે પર રહેતા ગાડલિયા લુહારિયા જ્ઞાતિના 80 પરિવારો
- પરિવારને પ્રાંત અધિકારીએ સરકારી સહાયના લાભ અંગે આપી સમજ
- રાજેશકુમાર આલે પરિવારો સાથે બેસી વ્યક્તિગત દુવિધાઓ જાણી
રાજકોટઃ જિલ્લાના ગોંડલ અને જેતપુરનાં પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની સરાહનીય સેવા એવાં સમાજની વાત કે તેમને પોતાના જન્મસ્થળની ખબર નથી, તે ખરેખર કોણ છે તેનો આધાર પણ તેમની પાસે નથી, તે ક્યારેય શાળાંનુ પગથીયું પણ ચડ્યા નથી, પોતે કઇ જાતી ના છે તે ઓળખાણની મથામણ વચ્ચે જીવતી એક જાતી એટલે વિચરતી અને વિમુક્ત જાતી.
આ જાતીના લોકો ગામડે ગામડે ફરે અને ઝુંપડા બાંધીને રહેતા હોય છે, ઝુંપડપટ્ટીમાં વસતા આવા વિચરતી અને વિમુક્ત જાતીના ગાડલીયા લુહારીયા જ્ઞાતીના 80 પરિવારો વર્ષોથી યાત્રાધામ વિરપુર જલારામની પાવન ધરતી પર નેશનલ હાઈવે રોડના કાંઠે ઝુંપડા બાંધી વસવાટ કરે છે.
જેતપુરના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ આવ્યા પરિવારની વ્હારે
ઉપર આભ અને નીચે ધરતીની જેમ આ સરનામાં વિનાના પરિવારોની મદદે ગોંડલ - જેતપુરના પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ આગળ આવ્યા છે. તેમજ જાણે વંચિતોના દ્વારે તેમની ઓળખ અને અન્ય વંચિત સમાજને મળતી સરકારી સહાયના ટકોરા પાડ્યાં છે. વિચરતી અને વિમુકત જાતીના આ પરીવારો પાસે રેશનકાર્ડ અને ઓળખકાર્ડ પણ ન હતા. અહીં ચુંટણી કાર્ડની વાત તો દુરની ગણાય. આ પરિવારોએ કયારેય મત પણ નથી આપ્યાં કારણકે તેમની મતદાર યાદી જ નથી. આવી અસુવિધા વચ્ચે જીવનનિર્વાહ કરી રહેલા પરીવારોના બાળકો માટે શિક્ષણની કલ્પના કરવી મુશ્કેલ ગણાય.
પ્રાંત અધિકારીએ આ પરિવારોની વ્યક્તિગત દુવિધા જાણી
તંત્રનાં એક અધિકારી તેનાં અધિકાર દ્વારા શું કરી શકે તે હકીકતને ઉજાગર કરતી આ વાતમાં પ્રાંત અધિકારી રાજેશકુમાર આલે આવા પરીવારોની મુલાકાત લઈ ઝુંપડામાં ઢાળેલાં ખાટલાં પર બેસી વ્યક્તિગત દુવિધા જાણી સરકારી સહાય અને મળતાં લાભ અંગે સમજ આપી હતી. બાદમાં ગાડલીયા લુહારીયા તરીકે ઓળખાતાં પરીવારોનો સર્વે કરાવી જાતીના પ્રમાણપત્રો, રેશનકાર્ડ, ચુંટણીકાર્ડ, આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્રથી લઈને દરેક સુવિધા અંગે તંત્રને દોડતું કરતાં વર્ષોથી વંચિત લોકોને સુવિધાઓ મળી છે.આવી સુવિધાઓ મળવાથી ખુશીની લ્હેર દોડી ઉઠી હતી. વિચરતી અને વિમુકત જાતીનાં લોકોને રહેવાં પોતાનું ઘર હોય તે માટે જરુરી સરકારી પ્રક્રિયાઓ પૂર્ણ કરાવી રહેણાંક હેતુનાં પ્લોટ ફાળવવાં જહેમત ઉઠાવી હતી.
આ કાર્યમાં જ્ઞાતિનાં યુવાનનો ઉત્સાહ રંગ લાવ્યો
સરકારી દફતરે વર્ષોથી જેઓનું નામ પણ નોંધાયુ નાં હતું, એ પરીવારો આજે મતદાર પણ બન્યાં છે. તેમની પાસે આધાર કાર્ડ, રેશનકાર્ડ સહીતની આગવી ઓળખ બનવાં પામી છે. આમ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલની ફરજ નિષ્ઠાએ વર્ષોથી વંચિત લોકોને તેમનાં હક્ક અપાવ્યાં છે.