- CM રૂપાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું
- ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થયું
- રાજ્યમાં 77 યુનિવર્સિટી હયાત
રાજકોટઃ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવિધ ભવનોનુ ઈ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું. તેમજ આ પ્રસંગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 2 દાયકામાં શિક્ષણ ક્ષેત્રે ગુજરાતનો કાયાકલ્પ કર્યો છે. સમગ્ર ભારતમાં ગુજરાત એજ્યુકેશનલ હબ તરીકે પ્રસ્થાપિત થઈ ગયું છે. ગુજરાતની સ્થાપના બાદ 40 વર્ષો સુધી રાજ્યમાં માત્ર 11 યુનિવર્સિટી હતી, જ્યારે આજે વધીને 77 થઇ છે. આ સાથે જ 25,000થી વધુ યુવા-વિદ્યાર્થીઓએ કાર્યક્રમ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું કે, સ્વામી વિવેકાનંદજીએ પશ્ચિમમાં જઈને સમગ્ર વિશ્વને ભારતીય જીવન દ્રષ્ટિથી પરિચિત કરાવ્યા હતા. સમગ્ર વિશ્વને વસુધૈવ કુટુમ્બકમની પ્રેરણા આપી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે, ગુજરાતીઓએ ગૌરવ લેવા જેવી વાત એ છે કે સ્વામીજીને પશ્ચિમમાં જવાની પ્રેરણા ગુજરાતની ભૂમિમાંથી મળી હતી. તેમણે સ્વ. અટલજીની કવિતાનો ઉલ્લેખ કરી કહ્યું કે, જ્યારે જ્યારે દુનિયામાં અજ્ઞાનનો અંધકાર ફેલાયો, જ્યારે જ્યારે માનવજાત પર મોટી આફત આવી, ત્યારે ત્યારે આ ભારત દેશે વિશ્વનું માર્ગદર્શન કર્યું છે. આપણે વેસ્ટર્ન કલ્ચરને ફોલો કરીને 'નમસ્તે' કરવાનું ઓછું કરી દીધું હતું, પરંતુ આજે કોવિડના સમયમાં આપણે દુનિયાભરના લોકોને નમસ્તે કરતા જોયા છે.
2 સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો
તેમણે વધુમાં કહ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ની રાહે ચાલી રહેલા આપણા દેશે દુનિયાની તમામ ધારણાઓને ખોટી પાડીને એક નહીં પણ 2-2 સ્વદેશી વેક્સિન આપીને પોતાના સામર્થ્યનો પરિચય આપ્યો છે. ભારતે બનાવેલી વેક્સિન માટે આજે 150થી વધુ દેશોએ માંગણી કરી છે. આ તાકાત દેશના યુવા વૈજ્ઞાનિકોની છે. વધુમાં તેમણે આગામી સમયમાં ભારતને મહાસત્તા બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
વિવિધ કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
મુખ્યપ્રધાન રૂપાણીએ આજે મંગળવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અભ્યાસ કરતાં વિદેશના વિદ્યાર્થીઓના ઉપયોગ માટે 4 કરોડના ખર્ચે ‘ઈન્ટરનેશનલ ટ્રાન્ઝીસ્ટ હાઉસ’ તથા સરસ્વતી વિમેન્સ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીનીઓને વાંચનની સુવિધા માટે સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી દાદાની ચેર દ્વારા નિર્મિત લાઈબ્રેરીનું ઈ-લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત 6 કરોડના ખર્ચે તૈયાર થનારી અદ્યત્તન લાઈબ્રેરી અને 3 કરોડના ખર્ચે તૈયાર થનારી અદ્યત્તન સ્પોર્ટ્સ હોસ્ટેલ તથા સવા કરોડના ખર્ચે તૈયાર થનારા ઓપન એર થિએટરનું પણ ઇ-ખાતમુહૂર્ત કર્યું હતું.