- કોરોના કાળમાં ઓનલાઈન ફ્રોડ વધ્યા
- રાજકોટમાં બે ઓનલાઈન ફ્રોડની પોલીસે કરી ધરપકડ
- 13 રાજ્યો અને 21 શહેરોમાં કરી છેંતરપીંડી
રાજકોટ: કોરોનાની બીજી લહેર ચાલી રહી છે, એવા સમયે લોકો બહાર જવાનું ટાળે છે અને સોશિયલ મીડિયા મારફતે વસ્તુઓની ઓનલાઇન ખરીદી કરતાં હોય છે. કોરોનામાં ઉપયોગી એવી મેડિકલને લગતી ચીઝ-વસ્તુ અંગે ફેસબૂકમાં લોભામણી જાહેરાત આપી તેનો સંપર્ક કરનાર ખરીદારોને ઓક્સિમીટરનો મોટો જથ્થો તથા અન્ય દવા તથા ચીઝ-વસ્તુઑના વિડીયો તથા ફોટાઑ બતાવી વિશ્વાસમાં લઈ લોકો પાસેથી પૈસા પડાવતા હોવાનું જાણવા મળ્યું છે.સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઇન વેચવાના નામે છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે..પોલીસ તપાસમાં આ ગેંગે 13 રાજ્યો અને 21 શહેરોમાં રૂપિયા27.74 લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.
પેઢીના માલિકે કરી ફરીયાદ
જેતપુર શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીના માલિક રજનીકાંત દોંગાએ ફરીયાદ કરી હતી કે તેમની પેઢીનો GST નંબર વાપરીને કેટલાક લોકો સોશ્યલ મીડિયા પર પલ્સ ઓક્સિમીટર, હેન્ડગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની વાત કરી રહ્યા છે. તેથી તેમણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે LCBની ટીમે જયવિન મંગેચા અને વહીદ અમીન રફાઈ નામના આરોપીની ધરપકડ કરી હતી. હાલ પોલીસ તપાસમાં બન્ને આરોપીઓએ દેશનાં 13 રાજ્યોનાં 21 શહેરોમાં આ પ્રકારે છેતરપિંડી આચરી હોવાનું કબુલ્યું છે. જેને લઇને પોલીસે આરોપીઓની વધુ પુછપરછ શરૂ કરી છે.
આપણ વાંચો : રેમડેસીવીરના નામે ઓનલાઈન જાહેરાત કરી ઠગાઇ કરનારા બે ઝડપાયા
ફોટો-વિડીયો બતાવી છેતરતા
પોલીસનાં કહેવા મુજબ, બન્ને આરોપી દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓક્સીમીટર અને બાકીના ઓક્સીમીટરના ખાલી બોક્સ રાખી ઓક્સીમીટરનો મોટા જથ્થો પોતાની પાસે હોવાનો તથા નાઈટ્રાઈટ હેન્ડ ગ્લોઝ, ફ્લોમીટર, રેમડેસીવીર ઈન્જેકશનના બોકસ, રેયોન કાપડના ટાંકા તેમજ અન્ય જરૂરી દવાઓના જથ્થાના ફોટા તથા વિડીયો બતાવી સોશીયલ મીડિયામાં સસ્તા ભાવની જાહેરાત આપતા હતા અને વેપારીઓ સાથે છેતરપીંડી કરતા હતા. હાલ પોલીસે આરોપીઓના બેન્ક એકાઉન્ટ સીલ કરી માહિતી મંગાવી છે.
ધંધામા નુક્સાનને કારણે આ અખતરો
ધંધામા નુક્સાન થવાને કારણે આ કિમીયો અપનાવ્યો હતો. આરોપીઓએ ગુજરાત, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન સહિતના 13 રાજ્યો અને 21 શહેરોમાં છેતરપિંડી આચરી હતી. અને અગાઉ પણ આરોપીઓ અમદાવાદનાં માધુપુર પોલીસ સ્ટેશનમાં વેપારીને નાઇટ્રાઇટ હેન્ડ ગ્લોવ્ઝનાં 5 હજાર બોક્સ આપવાનું કહિને 24.86 લાખની છેતરપીંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
આપણ વાંચો : રેમડેસીવીર ઈન્જેકશન માટે ઓનલાઈન રૂપિયા લઈ છેતરપિંડી કરતા આરોપીની ધરપકડ
તમામ મૃદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે આરોપીઓ પાસે થી પાંચ મોબાઇલ ફોન, કોટક મહેન્દ્રા બેન્કનાં વિઝા કાર્ડ, એક્સિસ બેન્કનું ડેબિટ કાર્ડ, વન મેડિકલ કાર્ડઅપોલો, બે બેન્કની પાસબુક, પલ્સ ફિંગર ટીપ ઓક્સિમિટરનાં ખાલી બોક્સ-472, 4 નંગ પલ્સ ઓક્સિમિટર, રેમડેસિવીર ઇન્જેક્શનનાં ખાલી બોક્સ, હેન્ડ ગ્લોવ્ઝનાં ખાલી બોક્સ અને એક લેપટોપ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. હાલ બન્ને આરોપીની પોલીસે પુછપરછ શરૂ કરી છે.