- રાજકોટમાં વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી
- ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા ચકચાર
- પોલીસને સુસાઈડ નોટ પણ મળી
રાજકોટઃ શહેરમાં વૃદ્ધ દંપતી દ્વારા ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેવાની ઘટના સામે આવતા ચકચાર મચી છે. શહેરના મવડી વિસ્તારમાં આવેલા ક્રિસ્ટલ હેવલ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી દ્વારા એપાર્ટમેન્ટના 12 માળે પોતાના ફ્લેટમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, મૃતક ગોપાલ પોપટભાઈ ચાવડા અને નિર્મલાબેન ગોપાલભાઈ ચાવડા નામના દંપતીએ આત્મહત્યા કરી છે. આ મામલે વાત એવી પણ સામે આવી રહી છે કે, આત્મહત્યાનું કારણ આર્થિક તંગી પણ હોઇ શકે છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટના સ્થળેથી પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે.
કોરોનાનાં કારણે ધંધામાં મંદી આવતા આત્મહત્યા
મવડી વિસ્તારના એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ દંપતી દ્વારા આત્મહત્યા કરવામાં આવતા તાત્કાલિક રાજકોટ તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ શરૂ કરી હતી. ઘટના સ્થળેથી એક સ્યુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં કોરોનાના કારણે ધંધો મંદીમાં ચાલતી હોવાની વૃદ્ધ દંપતી છેલ્લા ઘણા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યું હતું. તેમજ ધંધામાં મંદી હોવાના કારણે દેવું પણ ઘણું માથે થયું હતું. જેનું ચૂકવવું પણ થઈ ગયું હતું પરંતુ સતત આર્થિક તંગી રહેવાના કારણે છેલ્લે તેમને આ પ્રકારનું પગલું ભર્યું હતું. હાલ પોલીસ દ્વારા ઘટના સ્થળેથી સ્યુસાઈડ નોટ કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
રેડીમેઇડ ગારમેન્ટની દુકાન હતી
આત્મહત્યા કરનાર વૃદ્ધ ગોપાલભાઈને રેડીમેઈડ ગારમેન્ટની દુકાન પણ હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્રીના લગ્ન કર્યા હોવાથી તે સાસરે છે. પુત્ર હાલ પત્ની સાથે અલગ રહે છે. ગોપાલભાઈને કોરોના દરમિયાન ધંધામાં મંદી આવતાં ઉછીના પૈસા પણ બીજા પાસેથી લીધા હતા. જેને લઈને માથે દેવું થઈ ગયું હતું. આ દેવું ચૂકતે કરવા માટે તેમને પ્લોટ પણ વેચી નાખ્યો હતો. છતાં તેઓ આર્થિક તંગીનો સામનો કરતા હતા. જેને લઈને તેમને આ પ્રકારનું પગલું ભર્યું હતું. તાલુકા પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.