- સોમનાથ અને જૂનાગઢ ખાતે APPના નેતાઓ પર હુમલો થયો હતો
- APPના નેતાઓ પર હુમલાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરને યોગ્ય કાર્યવાહી કરી
- આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થાય તેવી માંગણી કરાઇ
રાજકોટ : શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલીયા, ઈશુદાન ગઢવી અને મહેશ સવાણી સહિતના દિગ્ગજ નેતાઓ પર જૂનાગઢ તેમજ સોમનાથ જિલ્લામાં અલગ-અલગ જગ્યાએ હુમલો થવાની ઘટના સામે આવી હતી. જે મામલે પોલીસ દ્વારા આરોપીઓ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. તેમજ નિષ્પક્ષ તપાસ પણ થઇ નથી. ત્યારે પોલીસ દ્વારા આ મામલે યોગ્ય તપાસ કરીને આરોપીઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી થાય તેવી માંગણી કરવામાં આવી છે.
સરકારની ઢીલી નીતિને કારણે આવું થયું
રાજકોટ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ શિવલાલ બારસિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારને ગૃહ વિભાગ દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે, આમ આદમી પાર્ટીના નેતા ઉપર હવે હુમલાઓ નહિ થાય પરંતુ હજુ પણ આ ઘટનાઓ યથાવત જોવા મળી રહી છે. જેને લઇને કહી શકાય છે કે, સરકારની આ મામલે લઈને ઢીલી નીતિ રહી છે. જ્યારે શહેર પ્રમુખે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, સરકારના પણ ગુનેગારો પર આશીર્વાદ હોય તેમ ગુનેગારો પણ આવું કરતાં ડરી રહ્યા નથી. જેને લઇને આમ આદમી પાર્ટીના નેતાઓ પર વારંવાર હુમલા થવાની ઘટનાઓ સામે આવી રહી છે.
જો કાર્યવાહી નહિ થાય તો આપના કાર્યકર્તાઓની ધીરજ હવે ખૂટશે
આમ આદમી પાર્ટીના રાજકોટ શહેર પ્રમુખ બરસિયાએ આ મામલે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં નહિ આવે તો, અમે આ મામલે કોર્ટનો પણ સહારો લેશું. જ્યારે અમે ઉચ્ચ અધિકારીઓને પણ નેતાઓ પર હુમલા મામલે રજૂઆત કરીશું. આ પ્રકારની ઘટનાઓએને લઈને હવે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ધીરજ પણ ખૂટી રહી છે. જેને લઇને એવી પણ ચિંતા છે કે આગામી દિવસોમાં બન્ને પક્ષના કાર્યકર્તાઓ વચ્ચે સામસામે દંગલો જાહેરમાં થઇ શકે પરંતુ અમે આ મામલે જરૂર આગળની કાર્યવાહી હાથ ધરશું.