- રાજકોટમાં નીકળશે ભગવાન જગન્નાથની રથયાત્રા
- કોવિડની ગ્રાઇડલાઈન પ્રમાણે થશે આયોજન
- અમુક જ વિસ્તારોમાં ફરશે ભગવાનનો રથ
રાજકોટ: કોરોનાના મહામારી હજી પણ વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે ત્યારે ચાલુ વર્ષે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા રાજકોટમાં યોજાશે કે નહીં તે અંગેના અનેક પ્રશ્નો ભાવિક ભક્તો તેમજ આ રથયાત્રાના આયોજકોને થઈ રહ્યાં હતાં. તેવામાં રાજકોટ પોલીસ દ્વારા રથયાત્રાના આયોજકો સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં રથયાત્રા અંગે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રથયાત્રાના આયોજકોને રાજકોટમાં માત્ર ગણતરીના જ રૂટ ઉપરથી રથયાત્રા કાઢવા માટેની મંજૂરી આપવામાં આવી છે અને આ રથયાત્રામાં મર્યાદિત લોકોની સંખ્યા રાખવામાં આવશે. જ્યારે પોલીસ અધિકારી સહિતના 400 જેટલા કર્મીઓ ફરજ પર હાજર રહેશે.
મર્યાદિત રૂટ ઉપર જ રથયાત્રા નિકળશે
રાજકોટ પોલીસ અને રથયાત્રાના આયોજકો વચ્ચે બેઠક યોજાઇ હતી તેમાં નક્કી કરેલા રૂટો ઉપર જ રથયાત્રા કાઢવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ રથયાત્રા દરમિયાન ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઈઝરનો ઉપયોગ પણ થશે. આ સાથે જ રથયાત્રા દરમિયાન પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. જ્યારે આ રથયાત્રામાં મર્યાદિત સંખ્યામાં જ ભક્તોને રાખવામાં આવશે. પોલીસ દ્વારા રથયાત્રાનો રૂટ નક્કી કરાયા બાદ તેને જાહેર પણ કરવામાં આવ્યો છે. જેમાં સવારે 8 વાગ્યે રથયાત્રા નાના મૌવા સ્થિત કૈલાશધામ આશ્રમથી આ રથયાત્રા કાઢવામાં આવશે અને ત્યારબાદ ફરી ત્યાં જ પરત ફરશે.
છેલ્લા 13 વર્ષથી યોજાય છે રથયાત્રા
રાજકોટ શહેરમાં છેલ્લા 13 વર્ષથી નાનામોવા સ્થિત કૈલાશધામ અને ખોડીયાર મંદિર દ્વારા ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે કોરોનાની મહામારીના કારણે રથયાત્રા યોજાશે કે નહીં તે અંગેના સવાલો ઊભા થયા હતા પરંતુ આશ્રમ દ્વારા રથયાત્રાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી હતી. જ્યારે આજે પોલીસ સાથે બેઠક યોજાયા બાદ રથયાત્રાનો રૂટ જાહેર કરવામાં આવ્યો છે. તેમજ કોરોનાની ગાઇડલાઇન્સ પ્રમાણે આ રથયાત્રા રાજકોટમાં યોજવામાં આવશે. આ વાત સાંભળીને આશ્રમના ટ્રસ્ટીઓ અને ભાવિક ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: Rathyatra 2021: ડાકોરમાં રવિવારે રથયાત્રા યોજાશે, રૂટ પર કર્ફ્યૂ અને મંદિર પ્રવેશ બંધ રહેશે
ISKCON રથયાત્રાને પરમિશન નહીં, ફક્ત મંદિરમાં ફરશે રથ
દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?