- રાજ્ય સરકાર દ્વારા ઉજવવામાં આવ્યો રોજગાર દિવસ
- AAP દ્વારા વિરોધમાં ઉજવાયો બેરોજગાર દિવસ
- AAP નેતા પ્રવીણ રામે રાજ્યમાં બેરોજગારીને લઈને આંકડા આપ્યા
રાજકોટ: ગુજરાતમાં ભાજપ સરકાર અનેક દિવસોની ઉજવણી કરી રહી છે. ત્યારે એમના ભાગરૂપે 6 તારીખનાં રોજ રાજ્ય સરકાર દ્વારા રોજગાર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા એક સમાંતર કાર્યક્રમ યોજીને આ દિવસને બેરોજગાર દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે AAP નેતા પ્રવીણ રામ સહિતના હોદ્દેદારો દ્વારા રાજકોટ ખાતે બેરોજગારીના આંકડાઓ સાથે પ્રેસવાર્તા કરવામાં આવી હતી.
સરકારી ભરતીમાં થયા કૌભાંડ: પ્રવીણ રામ
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી અનેક ભરતીઓ અટકીને પડી છે. અનેક ભરતીમાં કૌભાંડો બહાર આવ્યા છે. ત્યારે વર્ષોથી મહેનત કરતા યુવાનોનું મનોબળ તૂટ્યું છે. AAP નેતા પ્રવીણ રામે સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું કે, સરકાર ગુજરાતના લાખો બેરોજગાર યુવાનોનું અપમાન કરીને બળતામાં ઘી હોમવાનું કામ કરી રહી છે. એક બાજુ ગુજરાતના યુવાનો 2015થી રોજગારી માટે ભટકી રહ્યા છે. નોટબંધી ,GST અને કોરોનાના કારણે અનેક લોકો બેરોજગાર બન્યા છે. વિધાનસભા ફ્લોરના આંકડા મુજબ છેલ્લા 2 વર્ષમાં સરકાર માત્ર 2230 જ સરકારી નોકરી આપી શકી છે. સેન્ટર ફોર મોનિટરીંગ ઇન્ડિયન ઈકોનોમી રિપોર્ટ મુજબ બેરોજગારીનો દર મોટા પાયે વધ્યો છે.
રાજ્યમાં લાખોની સંખ્યામાં બેરોજગારો
ગુજરાતમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી બિન સચિવાલય ક્લાર્ક, ટેટ -2, તલાટી કમ મંત્રી, જુનિયર ક્લાર્ક, ફોરેસ્ટ ગાર્ડ, લેબ આસિસ્ટન્ટ, તલાટી, હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, એગ્રી ક્લાર્ક, અન્ન પુરવઠા ક્લાર્ક જેવી અનેક ભરતીઓ અટકીને પડી છે. ભરતીમાં પણ લાખોની સંખ્યામાં બેરોજગાર માટે ફોર્મ ભરી રહ્યા છે અને ભરતી પૂર્ણ ન થતા નિરાશ થઈ રહ્યા છે. ત્યારે બીજી બાજુ આવી બધી પરિસ્થિતિઓ હોવા છતાં સરકાર રોજગાર દિવસ ઉજવીને પોતાની વાહવાહી કરવામાં વ્યસ્ત છે.
આમ આદમી પાર્ટીના ભાજપ પર ગંભીર આક્ષેપ
રાજ્ય સરકાર દ્વારા રોજગાર દિવસ નિમિત્તે નિમણૂક ઓર્ડર આપવાની વાત આવી છે. ત્યારે AAP નેતા પ્રવીણ રામ દ્વારા આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં સરકાર દ્વારા આઉટસોર્સિંગમાં જે લોકોની નોકરી ચાલુ હતી તેમને જ ફરી ઓર્ડર આપવામાં આવ્યા છે. એવી વાતો પણ વહેતી થઈ છે. ત્યારે AAP નેતા પ્રવીણ રામ અને અજીતભાઈ લોખીલે સરકારની નિષ્ફળતાઓ ઉજાગર કરીને બેરોજગાર દિવસ તરીકે ઉજવવાનો કાર્યક્રમ આપવામાં આપ્યો હતો.