- મહિલા અભયમ-181ની ટીમની વધુ એક વાર સરાહનીય કામગીરી
- પતિથી છૂટાછેડા પછી 2 પુત્રો સાથે પિયરમાં રહેતી હતી
- પિયર પક્ષના લોકો અને દીકરાના ત્રાસથી કંટાળી હતી
રાજકોટ : મહિલા અભયમ-181ની ટીમે વધુ એક વાર સરાહનીય કામગીરી કરી પીડિતાનું જીવન બચાવ્યું છે. રવિવારે આજી ડેમ પોલીસ સ્ટેશન સ્થિત 181ની ટીમને ફોન પર જાણકારી મળી હતી કે, એક મધ્યવયસ્ક મહિલા આજી ડેમ ખાતે આપઘાત કરવાની કોશિશ કરી રહી છે. ફોન મળતાં જ 181ની ટીમ વિના વિલંબે ઘટનાસ્થળ પર પહોંચી ગઇ હતી અને આ મહિલાને આપઘાત કરતા બચાવી હતી.
મહિલાના 8 વર્ષ પહેલા છૂટાછેડા થયા હતા
મહિલાનું કાઉન્સલિંગ કરાતાં જાણવા મળ્યું હતું કે, અંદાજે આઠેક વર્ષ પહેલા મહિલાના તેના પતિથી છૂટાછેડા થઈ ગયા હતા. લગ્નથી થયેલા બે પુત્રો સાથે તે મહિલા પોતાના પિયરે રહીને મજૂરીકામ કરીને જીવન વ્યતિત કરતી હતી. પિયર પક્ષના લોકો ત્રાહિત મહિલાને સાચવવાને બદલે તેને હેરાન કરતા હતા. તેમનો દીકરો પણ મહિલાને ત્રાસ આપતા આખરે કંટાળી અંતિમ પગલું ભરવાનું મહિલાએ નક્કી કર્યું હતું.
આ પણ વાંચો : ડાંગની અભયમ 181 મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા બાળ લગ્ન અટકાવવમાં આવ્યા
માતાને ત્રાસ આપતા દીકરાનું કરાયું કાઉન્સેલિંગ
આજી ડેમની ઘટના બાદ 181ની ટીમે મહિલા ઉપરાંત, તેના પુત્રનું પણ કાઉન્સેલિંગ કર્યું હતુ. માતાને ત્રાસ આપતા દીકરાને પણ પોતાની ભૂલ સમજાઈ હતી. તેને ફરી વખત આવું નહીં કરવાની કબૂલાત કરી હતી. 181ની ટીમની સમજદારીથી માતા-પુત્ર વચ્ચે સમાધાન થયું હતું અને પરિવાર હસતો-રમતો પોતાના ઘરે પરત ફર્યો હતો.