- શાળાઓમાં નવા એડમિશનની પ્રક્રિયાઓ શરૂ કરાઈ
- 75 બેઠકો માટે 700 કરતાં વધુ એડમિશનની અરજીઓ
- ડ્રો દ્વારા શાળાઓમાં એડમિશન આપવામાં આવશે
રાજકોટ: હાલ કોરોનાની બીજી લહેરમાં કેસ ઓછા થતા શાળાઓમાં નવા એડમિશનની પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે, ત્યારે રાજકોટમાં મનપા સંચાલિત 3 જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પણ એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજકોટ મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આ તમામ પ્રક્રિયાઓ કરવામાં આવી રહી છે. જેમાં કુલ 75 બેઠકો માટે 700 કરતાં વધુ એડમિશન માટેની અરજીઓ આવી છે. ઓછી જગ્યામાં વધુ અરજીઓ આવતા હવે એડમિશનની આશા લઈને બેઠેલા વાલીઓ મુશ્કેલીમાં મુકાયા છે.
આ પણ વાંચો: હાઇકોર્ટે સરકારને પૂછ્યુ કે, બાળકોને કેમ બગાડી રહ્યા છો?
75 બેઠક માટે 700 અરજીઓ આવી
રાજકોટમાં મનપા સંચાલિત ત્રણ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ આવી છે. આ ત્રણેય શાળામાં મળીને કુલ 75 બેઠકો ખાલી છે, જેને લઇને શાળામાં નવા એડમિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, ત્યારે વાલીઓ પણ મોટા પ્રમાણમાં પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની સરકારી શાળામાં એડમિશન પણ મળે તે માટે નગર શિક્ષણ પ્રાથમિક કચેરી ખાતે દોડી આવ્યા હતા અને ફોર્મ ભરતા જોવા મળ્યા હતા. આ શાળામાં એડમિશન માટે 700 કરતાં વધુ વાલીઓએ અરજીઓ કરી છે.
મનપા સંચાલિત ત્રણ અંગ્રેજી માધ્યમની સ્કૂલો
રાજકોટમાં અલગ-અલગ વિસ્તારમાં ત્રણ જેટલી અંગ્રેજી માધ્યમની શાળાઓ મહાનગરપાલિકા સંચાલિત છે. આ ત્રણ શાળાઓમાં સાધુ વાસવાણી રોડ ઉપર આવેલી રવિન્દ્રનાથ ટાગોર વિદ્યાલય, વાણિયાવાડીની કવિ નર્મદ સ્કૂલ અને દૂધની ડેરી રોડ ઉપરની હોમી ભાભા સ્કૂલનો સમાવેશ થાય છે. આ ત્રણેય શાળાઓ હાલ ખાનગી સ્કૂલની રાહબરી હેઠળ કાર્યરત છે, ત્યારે વિનામૂલ્યે અંગ્રેજી શિક્ષણ આ શાળાઓમાં આપવામાં આવે છે. જેને લઇને મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોના એડમિશન માટે કચેરી ખાતે દોડી આવ્યા હતા.
એડમિશન ડ્રો મારફતે અપાશે : શિક્ષણ સમિતિ ચેરમેન
રાજકોટ મનપા સંચાલિત અંગ્રેજી શાળામાં એડમિશન માટે અંદાજિત 700 જેટલી અરજીઓ આવતા સમગ્ર મામલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિતે જણાવ્યું હતું કે, હાલ અમે આ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં એડમિશન પ્રક્રિયા શરૂ કરી છે. જેમાં ત્રણેય શાળાઓમાં મળીને કુલ 75 જેટલી જગ્યાઓ છે, જ્યારે તેની સામે 700 જેટલી અરજીઓ આવી છે. જેને લઇને હવે અમે આગામી દિવસોમાં એડમિશન માટે ડ્રો કરશું અને તે મુજબ બાળકોને એડમિશન આપીશું. આ શાળાઓમાં નર્સરીથી માંડીને ધોરણ 8 સુધીનું શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. જેને લઇને મોટી સંખ્યામાં વાલીઓ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવા માટે પડાપડી કરી રહ્યા હતા.