રાજકોટઃ શહેરમાં કોરોનાના 95 કરતા વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અગાઉ કોરોનાના પોઝિટિવ કેસ ઓછા હોવાના કારણે રાજકોટ શહેરમાં ઇન્ડસ્ટ્રીઝ ઝોન શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં આવેલ કારખાના શરૂ રાખવા માટે સરકાર દ્વારા નિયત સમય જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કારખાના સવારના 8 વાગ્યેથી સાંજના 6 વાગ્યા સુધી જ શરૂ રાખવાની છૂટ આપવામાં આવી છે. જેને લઈને મોટાભાગના ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા રાજ્ય સરકાર પાસે જે મોટા અને જરૂરિયાત વાળા ઉદ્યોગો છે તેને 24 કલાક માટે ચાલુ રાખવાની માગ કરવામાં આવી છે.
આ અંગે Etv ભારત દ્વારા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અગાઉ રાજકોટ શહેરની બહાર આવેલ નાના ઉદ્યોગોને શરૂ કરવાની માગ રાજ્યના મુખ્યપ્રધાનને કરવામાં આવી હતી. જેને રાજ્ય સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવાની છૂટ આપવામાં આવતા અંદાજીત 17 હજાર કરતા વધુ નાના મોટા કારખાનાઓ શરૂ થયા હતા.
રાજકોટ શહેરમાં પણ ગત 14 મેથી અંદાજીત 20 હજાર જેટલી ઇન્ડસ્ટ્રીઝ શરૂ કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા સવારના 8 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી કારખાના શરૂ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જેને લઈને કેટલાક મોટા ઉદ્યોગકારોને મુશ્કેલીઓ ઉભી થઇ રહી છે. છેલ્લા બે મહિના બંધ રહેલી મોટી ઇન્ડસ્ટ્રીઝને ઘણું નુકસાન થયું છે. જો 24 કલાકની છૂટ આપવામાં આવે તો ઇન્ડસ્ટ્રીઝ થકી ઉદ્યોગકારને બે પૈસ કમાઈને નુકશાની સરભર કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્રના પાટનગર એવા રંગીલા રાજકોટમાં તૈયાર થયેલ પાર્ટ્સ દેશ વિદેશમાં સપ્લાય થાય છે. આ સાથેજ રાજકોટને સૌરાષ્ટ્રનું આર્થિક હબ માનવામાં આવે છે. પરંતુ કોરોના વાઈરસની મહામારીને કારણે છેલ્લા 2 મહિનાથી તમામ નાનામોટા ઉદ્યોગ બંધ હોવાના કારણે ઘણું નુકશાન પણ સહન કરવાનો વારો આવ્યો છે. રાજકોટમાં અંદાજીત 50 હજાર કરતા વધુ નાના મોટા ઉદ્યોગો શરૂ થતાં ફરી ધબકતું થયું છે.