- બોગસ આધારકાર્ડ કાઢી આપનારા ઝડપાયા
- ગાંધીગ્રામ પોલીસે 2 ઈસમોને ઝડપ્યા
- રૂપિયા 1500 લઈને આધાર કાર્ડ કાઢી આપતા હતા
રાજકોટઃ ગાંધીગ્રામ પોલીસે કોઈપણ જાતના આધાર પુરાવા વગર રૂપિયા 1500 લઈને આધાર કાર્ડ કાઢી આપનારા બે શખ્સોને ઝડપી પાડયા છે. આ ગુનામાં ઝડપાયેલા ઇસમોનું નામ પ્રકાશકુમાર મારવિયા અને સાગર વિનયકાન્ત રાણપરા છે. જે રાજકોટમાં કામધંધો અને રોજગારી માટે આવતા લોકોને મુખ્યત્વે ટાર્ગેટ કરી અને તેમને આધાર કાર્ડની જરૂર હોય પરંતુ તેમનું રેસીડન્ટ ડોક્યુમેન્ટ રાજકોટનું ન હોવા છતાં પણ બોગસ ડોક્યુમેન્ટ આધારે તેમનું આધારકાર્ડ કાઢી આપતા હતા. તેમજ આ કામ માટે કન્સલ્ટિંગ ફી ના નામે રૂપિયા 1500ની ઉઘરાણી પણ કરવામાં આવતી હતી. આ ઈસમો દ્વારા બોગસ ડોક્યુમેન્ટના આધારે આધારકાર્ડ જેવું મહત્વનું ડોક્યુમેન્ટ કાઢી આપવામાં આવતું હતું.
પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
રાજકોટ પોલીસે બોગસ આધાર કાર્ડ કાઢી આપનારા બંને ઈસમોને ઝડપી પાડયા છે. ત્યારે આ ઈસમો દ્વારા અત્યાર સુધીમાં કેટલા બોગસ આધાર કાર્ડ કાઢવામાં આવ્યા છે, તેમજ આ કામ કેટલા ઇસમો તેમની સાથે જોડાયેલા છે, તે તમામ વિગતો હાલ પોલીસ દ્વારા તપાસવામાં આવી રહી છે. જેને લઈને એવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે કે, આગામી દિવસોમાં આ મામલે વધુ આરોપીઓ ઝડપાઈ શકે છે. હાલ પોલીસે આ ઈસમો વિરુદ્ધ IPC કલમ 406, 114 મુજબનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.