રાજકોટઃ 'સ્વચ્છ ભારત-સ્વચ્છ રેલ' અભિયાન અંતર્ગત જિલ્લા રેલવે ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની 151મી જન્મજયંતિ નિમિત્તે સમાપ્ત થશે.
આ અંગે વધુ માહિતી આપતાં રાજકોટ ડિવિઝનના DRM પરમેશ્વર ફુંકવાલેએ જણાવ્યું કે, સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી. દરેક દિવસ માટે એક અલગ થીમ આપવામાં આવી હતી.
સ્વચ્છતા જાગરૂકતા, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ ટ્રેન, સ્વચ્છ ટ્રેક, સ્વચ્છ કેમ્પસ, સ્વચ્છ ડેપો, સ્વચ્છ રેલવે કોલોની/હૉસ્પિટલ, શુધ્ધ પાણી, સ્વચ્છ કેન્ટીન, સ્વસ્થ નીર, સાફ ટોઇલેટ્રીઝનો પ્લાસ્ટિક ડે, સ્વચ્છતા કોમ્પિટિશન જેવી થીમ્સ ઉપર સ્વચ્છતા અભિયાન શરૂ કરાયું હતું. પખવાડિયા દરમિયાન સ્ટેશનોની સ્વચ્છતા અને સેનિટાઇઝેશન ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
રાજકોટ રેલવે હૉસ્પિટલમાં લોકડાઉન દરમિયાન આશરે 2000 લિટર સેનિટાઈઝરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. રેલ કર્મચારીઓ અને તેમના પરિવારોને 12 હજાર 42 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. રેલવે દ્વારા આ પખવાડિયા દરમિયાન સ્ટેશન પર થૂંકીને ગંદગી ફેલાવવા માટે 4 મુસાફરો પાસેથી રૂ 800/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા માટે જાગરૂકતા ફેલાવવામાં આવી હતી. 'સ્વચ્છતા અને પ્લાસ્ટિક પ્રદૂષણની રોકધામ' વિષય પર રેલવે કર્મચારીઓનાં બાળકો માટે ઓનલાઇન ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી, જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મંડળના 51 સ્ટેશનો પર એક વ્યાપક સફાઈ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત લગભગ 19 હજાર 345 કિલો કચરો સાફ કરવામાં આવ્યો હતો, જેમાં 240 કિલો પ્લાસ્ટિકનો કચરો અને 19 હજાર 105 કિલો મિશ્રિત કચરો શામેલ છે. શફૂંકવાલે સ્વચ્છતા પખવાડિયાનો સંદેશ લોકોને સુધી પહોંચાડવા માટે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરી અને તેમનો આભાર માન્યો.
આ પ્રસંગે રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફ, ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શદિનેશસિંહ તોમર અને સહાયક કોમર્શિયલ મેનેજર (કોચિંગ) અસલમ શેખ ઉપસ્થિત રહ્યા હતા.