- સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે કરાવવામાં આવી સલામત પ્રસુતિ
- વાવાઝોડાની મેઘલી રાતે રાજકોટ જિલ્લામાં અવતર્યા 12 નવજાત શિશુઓ
- વિકટ પરિસ્થિતિમાં પણ ખડેપગે રહ્યા આરોગ્ય વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ
રાજકોટ: જિલ્લા પંચાયતના આર.સી.એચ. અધિકારી ડૉક્ટર મિતેશ ભંડેરીએ આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, સાણથલી, વિંછીયા, જસદણ, ધોરાજી, ગોંડલ અને ઉપલેટાના સરકારી આરોગ્ય કેન્દ્રો ખાતે એક-એક બાળક તથા જેતપુરના આરોગ્ય કેન્દ્ર ખાતે બે બાળકોના જન્મ 17 મી મેની રાત્રીએ થયા છે.
મોટાભાગના બાળકો સ્વસ્થ
સોનુબેન શંભુભાઈ પરમારે જસદણ ખાતે, કુજીલાતબેન સરફરાઝભાઇ ગરાણાએ ધોરાજી ખાતે તથા સોનલબેન દિલીપભાઈ કુબાવતે ગોંડલ ખાતે સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો છે. તથા માતા અને બાળક બંનેની તબિયત સારી છે, તેમ ડોક્ટર ભંડેરીએ વધુમાં ઉમેર્યું હતું. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ વાવાઝોડાની અતિ વિકટ પરિસ્થિતિમાં પણ પ્રસૂતા મહિલાઓને કોઈપણ પ્રકારની હેરાનગતિ વગર સલામત પ્રસૂતિ કરાવી છે.