- ગિરનાર નેચર સફારી શરૂ થવાથી સિંહો વ્યાકુળ બની રહ્યા હોવાનો સિંહ પ્રેમીઓનો દાવો
- સિંહે જૂનાગઢ શહેરના રહેણાંક વિસ્તારો ઉપરાંત ફાઈવ સ્ટાર હોટલમાં પણ મારી લટાર
- વન વિભાગ પણ આ ઘટનાને લઇને સજાગ, પરંતુ સિંહનું બહાર નિકળવાનું કારણ હજુ પણ અકબંધ
જૂનાગઢ : ગત સોમવારની વહેલી સવારે ગિરનારનાં જંગલ વિસ્તારમાંથી સિંહ અચાનક જૂનાગઢ શહેરનાં વિસ્તારોમાં આવી ચડ્યો હતો. વહેલી સવારે 5 કલાક સુધીમાં જંગલનાં રાજાએ જૂનાગઢ શહેરનાં રહેણાંક વિસ્તારો સહિત જૂનાગઢ રાજકોટ માર્ગ પર આવેલી હોટેલ સરોવર પેટ્રીકોમાં મહેમાન ગતિ પણ અચાનક માણી હતી. ત્યારે સમગ્ર ઘટના જૂનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારના CCTV કેમેરાઓમાં કેદ થઈ હતી. સિંહ શહેરમાં ઘૂસી આવ્યાની જાણ થતાં જ વનવિભાગ પણ હરકતમાં આવી ગયું હતું અને સિંહ પર્વત ગિરનારમાં પહોંચી ગયો છે, તેની ખાતરી કરીને રાહતનો શ્વાસ લીધો હતો, પરંતુ જે પ્રકારે સિંહ ગિરનાર પર્વતમાંથી જૂનાગઢ શહેરમાં આવી ચડ્યો હતો, તે ચોક્કસ ચિંતાનો વિષય છે. જેને લઇને વન વિભાગે પણ તાકીદે આગવું આયોજન કરવું પડશે તે વાત પણ ચોક્કસ છે.
ગિરનાર નેચર સફારી સિંહોને અનુકુળ નહીં આવતી હોવાનું સિંહ પ્રેમીઓનું અનુમાન
ગત 26મી જાન્યુઆરીનાં દિવસે ગિરનાર પર્વતમાં ગિરનાર નેચર સફારીની શરૂઆત કરવામાં આવી છે. દરરોજ 8 વાહનો સવાર અને બપોરનાં બે તબક્કામાં ગિરનાર જંગલમાં પ્રવેશ કરવા દેવામાં આવે છે. ત્યારે સિંહ આ પ્રકારની જંગલમાં થતી વાહનોની હલચલને લઈને વ્યાકુળ બની રહ્યા છે અને તેને કારણે આ સિંહો ગિરનાર પર્વતમાંથી વહેલી સવારે જૂનાગઢ શહેરમાં આવી ચડ્યો હોય તેવું સિંહ પ્રેમીઓ માની રહ્યા છે. ગિરનારનાં સિંહો આ પ્રકારના પ્રવાસીઓની હલચલને અગાઉ ક્યારેય પણ જોઈ નથી. માટે પ્રવાસીઓની હલચલની સાથે વાહનો જંગલમાં જવાની ઘટના સિંહોને અનુકૂળ ન હોવાને કારણે સિંહ જંગલ વિસ્તારમાંથી બહાર નીકળ્યો હોય તેવું સિંહ પ્રેમીઓ પણ માની રહ્યા છે.
સાસણ અને દેવળિયા સફારી પાર્કનાં સિંહો ત્રણ-ચાર પેઢીઓથી ટુરિઝમ અંગે વાકેફ છે
સાસણ અને દેવળિયા સફારી પાર્કનાં સિંહો પાછલી ત્રણ-ચાર પેઢીથી ટુરિઝમને લઈને વાતાવરણમાં મળી ચૂક્યા છે. સાસણ અને દેવળીયા સફારી પાર્કમાં પ્રવાસીઓની હાજરી સિંહોને જરા પણ ખલેલ પહોંચાડતી નથી. સાસણ અને દેવળીયા સફારી પાર્કમાં પાછલા કેટલાય વર્ષથી વાહનો મારફતે વન વિભાગ સિંહ દર્શન કરાવી રહ્યું છે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થાથી સિંહો ટેવાઈ ગયા છે. તેમને પોતાની અનુકુળતા સાધી હોવાને કારણે સિંહો સાસણ અને દેવળીયાનાં જંગલમાં પ્રવેશ કરતાં વાહનોથી વિચલિત થતા નથી, પરંતુ ગિરનારના જે સિંહ છે તે આ પ્રકારની પ્રવાસી ગતિવિધિઓથી બિલકુલ અજાણ હોવાથી જ સિંહ જંગલમાંથી બહાર નીકળવા માટે મજબૂર બન્યો હશે.
ગિરનાર નેચર સફારી અંગે વન વિભાગ વધુ સજાગ બને તેવી સિંહ પ્રેમીઓની માગ
ગિરનાર પર્વતની આસપાસ જે ગિરનાર નેચર સફારી શરૂ કરવામાં આવી છે. તેને લઈને વન વિભાગ વધુ સતર્ક બને તેવી સિંહપ્રેમીઓ માગ કરી રહ્યા છે. ગિરનારમાં પ્રવાસીઓની હાજરી સિંહો માટે ખૂબ જ નવો અનુભવ હોઈ શકે છે. ત્યારે વાહન અને પ્રવાસીઓની હાજરીની વચ્ચે સિંહો અનુકૂળતા સાધવા માટે કેટલો સમય લઇ શકે છે, તે માટે આ પ્રકારની વ્યવસ્થાઓ વન વિભાગ કરે અને ગંભીરતાથી તેનો અમલ કરે તો સિંહોની નવી પેઢીઓમાં ગિરનારમાં જંગલ સફારીને લઈને પોતાની અનુકુળતા ધીરે-ધીરે સાધતા જોવા મળશે અને ત્યાર બાદ સાસણની જેમ ગિરનાર નેચર સફારીમાં પ્રવેશતા વાહનોને પણ બિલકુલ સામાન્ય ઘટના ગણીને સિંહો વિચલિત થવાની જગ્યાએ સંતુલન જાળવી લેશે તેવું સિંહ પ્રેમીઓ જણાવી રહ્યા છે.