નવરાત્રીના નવ દિવસો દરમિયાન ખેલૈયાઓ વિવિધ ટ્રેડિશનલ અને ભારતીય હસ્તકળાઓ દ્વારા બનાવવામાં આવેલા આ ડ્રેસ પહેરીને માં જગદંબાના ગરબે ઘૂમતા હોય છે. પરંતુ, આ વખતે ટ્રેડિશનલ ડ્રેસની બજારમાં પણ ખેલૈયાઓનો હજૂ સુધી અપેક્ષિત પ્રતિભાવ નહીં મળતા વેપારીઓ પણ થોડા ચિંતિત બની રહ્યા છે.
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ટ્રેડિશનલ ડ્રેસના ભાવ અને તેના ભાડામાં ક્રમશ 10થી લઈને ૩૦ ટકા સુધી વધારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને નવરાત્રીમાં કેડિયું અને ચણિયાચોળીની વિશેષ માગ જોવા મળતી હોય છે. સામાન્ય સંજોગોમાં કેડિયું અને ચણિયાચોળી એક વિવિધ ભરતગુંથણ અને અલગ-અલગ પ્રાંતની હસ્ત કળાઓને ઉજાગર કરતી હોય છે. તે માટે તેના બજારભાવથી લઈને તેના ભાડામાં વધારો ઘટાડો જોવા મળતો હોય છે. આ વખતે 400 રૂપિયાથી લઈને 3 હજાર રૂપિયા સુધીના ચણિયાચોળી અને કેડિયું બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તેને ગ્રાહકનો મધ્યમ અથવા તો નબળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જેને કારણે આ વખતે નવરાત્રી કદાચ ફિક્કી જાય તેવું લાગી રહ્યું છે.