- આજે વિશ્વ બાળ અધિકાર દિવસની ઉજવણી વચ્ચે ચિંતાજનક દ્રશ્યો
- જૂનાગઢમાં ગંભીર અને ચિંતા ઉપજાવે તેવા બાળ મજૂરોના દ્રશ્યો સામે આવ્યા
- સામાજિક આર્થિક અને પછાત વર્ગના બાળકો પોતાના અધિકારોને નેવે મૂકીને મજૂરી કરી રહ્યા છે
- બાળ મજૂરી પાછળ રોજગારીની કમી, ગરીબી અને નિરક્ષરતાને મુખ્ય માનવામાં આવે છે
જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વ બાળ અધિકાર દિવસ મનાવી રહ્યું છે, આજના દિવસે બાળકોને મળતા અધિકારો તેમને મળે અને બાળકો તેમના અધિકારો પ્રત્યે જાગૃત બને તેને લઈને આજના દિવસની ખાસ ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આજના દિવસે જૂનાગઢમાં ચિંતા ઉપજાવે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. શહેરના ગરીબ, મજૂર, નિરક્ષર અને આર્થિક પછાત માતાપિતાના સંતાનો આજે મજૂરીકામ કરતા જોવા મળી રહ્યા છે.
પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા ઇરાદા સાથે મજૂરી કામ કરતા જોવા મળ્યા
આજે બાળકો પોતાના તમામ અધિકારોને નેવે મૂકીને પોતાના પરિવારને આર્થિક મદદ કરી શકે તેવા ઇરાદા સાથે મજૂરી કામ કરતા જોવા મળી રહ્યા છે, જે ઉંમરે બાળકોને હાથમાં પેન અને બુક હોવી જોઈએ એ ઉંમરે આજે બાળકો હાથમાં કચરાની થેલી લઈને પોતાના પરિવારને મદદ કરવાના ઈરાદે મજૂરીકામ કરતા જોવા મળી રહ્યા હતા.
આર્થિક-સામાજિક અસમાનતા ગરીબી અને નિરક્ષરતા બાળ મજૂરીના મુખ્ય કારણો
બાળ મજૂરી પાછળ ગરીબી, સામાજિક અને આર્થિક અસમાનતા તેમજ નિરક્ષરતાને માનવામાં આવે છે. જે પરિવાર સામાજિક રીતે પછાત આર્થિક રીતે નબળો અને ગરીબ વર્ગનો પરિવાર ચલાવવા માટે બાળકના માતા-પિતા પણ પોતાના બાળકોને શાળાએ મૂકવા જવાની બદલે તેમને ઘર ચલાવવા માટે આર્થિક રીતે મદદ કરી શકે તે ઉદ્દેશ્યને લઈને તેમના બાળકોને મજૂરીકામ અથવા તો અન્ય જગ્યા પર કામ કરવા માટે મોકલે છે. આવી પરિસ્થિતિમાં બાળ મજૂરોનું પ્રમાણે દિવસે વધી રહ્યું છે અને તેના પર કાબૂ કરવો ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે.
બાળ અધિકારો માટે અધિકારી અને કચેરીની નિમણૂક કરવામાં આવી
દરેક જિલ્લામાં બાળ અધિકારોને લઈને એક અધિકારીની સાથે કચેરીની નિમણૂક કરવામાં આવી છે, બાળ અધિકાર અને સુરક્ષા વિભાગના અધિકારી અને કર્મચારીઓ પણ આવા બાળ મજૂરોને વારંવાર છોડાવીને તેમના વાલીઓને સોંપી આપે છે. પરંતુ પરિવારની આર્થિક જરૂરિયાત અને આવકના સાધનો મર્યાદિત કે બંધ થતા ફરી આ બાળકો મજૂરી કામમાં જોડાઈ જાય છે અને સરકારી તંત્રે કરેલી મહેનત અંતે ઠેરની ઠેર જોવા મળે છે.