- કેરીને પેક કરવાના પુઠાના બોક્સની માગમાં જોવા મળ્યો ચિંતાજનક ઘટાડો
- આ વર્ષે કેરીનું ઉત્પાદન ઘટવાની શક્યતા હતી, ત્યારે વાવાઝોડાએ સંપૂર્ણ પાકને કર્યો નસ્ટ
- પાછલા કેટલાક વર્ષોથી કાચા માલના બજાર ભાવોમાં પણ સતત ઉછાળો વર્તાઇ રહ્યો છે
જૂનાગઢ : પાછલા કેટલાંક વર્ષોની સરખામણીએ આ વર્ષે કેરીને પેક કરવાના પુઠાના બોક્સના ઉત્પાદનમાં સતત ઘટાડો આવી રહ્યો છે. જેમાં આ વર્ષે 50 ટકા કરતા વધુ બોક્સનું ઉત્પાદન ઘટવાનો અંદાજ બોક્સના ઉત્પાદન સાથે સંકળાયેલા ઉદ્યોગકારો જણાવી રહ્યા છે. ગત વર્ષે ચાર લાખની આસપાસ 1 unitમાં કેરીના બોક્સનું ઉત્પાદન થયું હતું. જેમાં આ વર્ષે 50 ટકા કરતાં વધુનો ઘટાડો આવે તેવી શક્યતાઓ ઉદ્યોગકારો વ્યક્ત કરી રહ્યા છે. જેને કારણે બોક્સનું ઉત્પાદન કરતા એકમોને સમય પહેલા બંધ કરવા સુધીની ફરજ ઉદ્યોગકારોને પડી શકે છે.
![કેરીના બોક્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-box-vis-01-byte-01-pkg-7200745_23052021160716_2305f_1621766236_832.jpg)
આ પણ વાંચો : ગીરની પ્રખ્યાત કેસર કેરીની માર્કેટમાં વિધીવત એન્ટ્રી, તાલાલા મેંગો યાર્ડમાં પ્રથમ દિવસે 7 હજાર કેરીના બોકસ આવ્યા
કેરીને પેક કરવાના પુઠાના બોક્સની માગમાં આ વર્ષે જોવા મળ્યો ખૂબ મોટો ઘટાડો
ગીરની શાન સમી કેસર કેરીને પેક કરીને અન્ય જગ્યાએ મોકલવા માટેના પુઠાના બોક્સની માગમાં આ વર્ષે ખૂબ મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. વિપરીત પરિસ્થિતિ અને પ્રતિકૂળ હવામાનના કારણે કેરીનું ઉત્પાદન ખૂબ મર્યાદિત રહેવાની શક્યતા હતી. જેને પગલે કેરીને પેક કરવાના બોક્સની માગમાં પણ ઘટાડો આવશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગત 18મી તારીખે આવેલા વાવાઝોડાએ કેરી પર જાણે કે વિનાશલીલા આચરી હોય તે પ્રકારે સમગ્ર ગીર પંથકની 90 ટકા કરતાં વધુ કેરી વાવાઝોડાની ભેટ ચડી ગઈ હતી. જેને કારણે કેરીને પેક કરવાના પુંઠાના બોક્સમાં ખૂબ મોટો ઘટાડો નોધાઈ રહ્યો છે. જૂનાગઢ GIDCમાં બોક્સ બનાવતા એકમને ગત વર્ષે ચાર લાખ જેટલા બોક્સનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કર્યું હતું, પરંતુ આ વર્ષે 50 ટકા કરતાં વધુ બોક્સ પડતર રહે તેવી ચિંતાઓ પુઠાના બોક્સનું નિર્માણ કરતા એકમોના માલિકોને સતાવી રહી છે.
![કેરીના બોક્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-box-vis-01-byte-01-pkg-7200745_23052021160716_2305f_1621766236_1059.jpg)
આ પણ વાંચો : જૂનાગઢ નજીક આવેલા પ્લાસવા ગામના આંબાવાડિયામાં કેરીની ચોરી થઇ
કાચા માલમાં સતત વધારો થતાં બોક્સનું ઉત્પાદન પણ મોંઘું બની રહ્યું છે
![કેરીના બોક્સ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-box-vis-01-byte-01-pkg-7200745_23052021160716_2305f_1621766236_113.jpg)
કેરીના બોક્સ બનાવવા માટે પુઠા સહિત અન્ય કેટલીક સામગ્રીની જરૂરિયાત ઊભી થતી હોય છે. આ તમામ સામગ્રી વાપી અને કેટલીક સામગ્રી ચાઇનાથી આયાત કરવામાં આવતી હતી, પરંતુ કોરોના સંક્રમણને કારણે કેટલીક વસ્તુઓ ચાઇનાથી આયાત બંધ થઈ ગઈ છે. જેના કારણે પુંઠાના બોક્સનું નિર્માણ માટે કાચા માલની પડતર કિંમતમાં 20 ટકા કરતા વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જે બોક્સ ગત વર્ષે 12 રૂપિયામાં પડતું હતું તે પુઠાનું બોક્સ આજે 20 રૂપિયા પ્રતિ નંગ પડી રહ્યું છે. આવી વિપરીત પરિસ્થિતિની વચ્ચે વાવાઝોડાએ કેરીના પાક પર વિનાશ નોતરતા હવે જે પુંઠાના બોક્સના નિર્માણ થઇ ચુક્યા છે તેની લેવાલીને લઈને પણ હવે ખૂબ મોટો પ્રશ્નાર્થ સર્જાઈ રહ્યો છે.