- એકલ દોકલ ગ્રાહકોની હાજરીની વચ્ચે વેપારીઓ સમય પસાર કરી રહ્યા છે
- ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા કરતા વધુ ગ્રાહકોની જોવા મળી ઘટ
- સૂકા મરચાં અને મસાલાના બજાર પર કોરોના સંક્રમણની વિપરીત અસર
જૂનાગઢ: કોરોના સંક્રમણની અસર હવે સૂકા મરચાં અને મસાલાના બજાર પર પણ જોવા મળી રહી છે. જૂનાગઢમાં આવેલા મસાલા બજારમાં એકલ દોકલ ગ્રાહકોની હાજરી વચ્ચે મસાલા વેચવા માટે આવેલા વેપારીઓ સમય પસાર કરી રહ્યા છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 50 ટકા કરતાં વધુ ગ્રાહકોની ઘટ જોવા મળી છે. જેને લઇને આ વર્ષે મસાલાનું વેચાણ ઘટી જવાની ચિંતા વેપારીઓને સતાવી રહી છે. ગત વર્ષે જૂનાગઢના મસાલા બજારમાં તમામ પ્રકારના મસાલાઓ ખૂટી પડ્યા હતા. ત્યારે આ વર્ષે મસાલા બજારમાં ગ્રાહકોની ગેરહાજરી વચ્ચે મસાલાના ગંજ ખડકાયેલા જોવા મળી રહ્યા છે.
મસાલાના ભાવમાં સરેરાશ 100 રૂપિયાનો ઘટાડો
ગત વર્ષે જૂનાગઢ મસાલા બજારમાં પ્રતિ કિલો મરચા નો ભાવ 80 રૂપિયાથી લઈને 250 રૂપિયા સુધી જોવા તો હતો. ત્યારે આ વર્ષે ગ્રાહકોની ખૂબ જ ઓછી ભીડના કારણે મરચાના બજાર ભાવમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે 80 રૂપિયાથી લઇને 150 રૂપિયા સુધીનું સારું મરચું વેચાઈ રહ્યું છે. જે ગત વર્ષ કરતાં 100 રૂપિયા કરતા પણ નીચા ભાવે પણ ગ્રાહકોની ખરીદદારી જોવા મળતી નથી. બજાર ભાવો નીચા હોવા છતાં પણ ગ્રાહકોના મન પર જે કોરોનાનો ભય જોવા મળે છે. તેને લઈને ખરીદદારીનો અભાવ મસાલા બજારમાં સ્પષ્ટ જોઈ શકાય છે. ગત વર્ષે 250 રૂપિયે પ્રતિ કિલો મરચું પણ ખૂટી પડ્યું હતું. જ્યારે આ વર્ષે 150 રૂપિયા પ્રતિ કિલો મરચું ગ્રાહકોની રાહ જોઈને બેસી રહ્યું છે. તેમ છતાં હજુ સુધી મરચા અને મસાલા બજારમાં ગ્રાહકોની રાહ જોઈને વેપારીઓ પણ બેસી રહેતા જોવા મળી રહ્યા છે.