- ધાર્મિક વિધિ અને પૂજન સાથે ભવનાથ મેળાની શરૂઆત
- મહાશિવરાત્રી મેળાની ધાર્મિક વિધિ અને પૂજન સાથે થઈ શરૂઆત
- કોરોના સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી નાબુદ થાય તેવી સંતોએ કરી પ્રાર્થના
જૂનાગઢ: કોરોના સંક્રમણની વચ્ચે ભાવિ ભક્તોના ભવનાથમાં પ્રતિબંધની વચ્ચે મહાશિવરાત્રીનાં મેળાનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે ગીરનાર મંડળના સાધુ- સંતો દ્વારા ભવનાથ મહાદેવ પર ધર્મ ધજાનુ વિધિ વિધાન સાથે પૂજન કરીને મહાશિવરાત્રીના પાંચ દિવસના મેળાની શુભ શરૂઆત થઈ હતી. કોરોના સંક્રમણને કારણે ભવનાથમાં શિવભક્તો અને યાત્રિકોના પ્રવેશ પર પ્રતિબંધ લદાયો છે, ત્યારે ગીરનાર મંડળના સાધુ- સંતોએ સમગ્ર વિશ્વમાંથી કોરોનાનો નાશ થાય અને ફરી એક વખત વિશ્વના લોકો મુક્ત મને હળતા મળતા થાય તેવી ભવનાથ મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી હતી.
વર્ષો બાદ શિવ ભક્તો અને ભાવિકોની ગેરહાજરીમાં મેળો થયો શરૂ
વર્ષો બાદ મહાશિવરાત્રી મેળામાં ભાવિ ભક્તો અને શિવભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ લદાયો છે. જેને કારણે ભવનાથની તળેટી શિવભક્તો વિના જોવા મળી હતી. શિવ ભક્તો પર પ્રવેશના પ્રતિબંધને કારણે મહાશિવરાત્રી મેળામાં સમગ્ર દેશમાંથી આવતા નાગા સંન્યાસીઓની પણ ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. આવી પરિસ્થિતિમાં મહાશિવરાત્રી મેળો ધાર્મિકતા સાથે શરૂ થયો છે. વર્ષો પહેલા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. તેમાં પણ ધાર્મિક વિધિ પૂરી કરવા અને માટે શિવરાત્રીના મેળાનું આયોજન થયું હતું. આજે વર્ષો બાદ ફરી એક વખત શિવભક્તો અને ભાવિકોની ગેરહાજરીની વચ્ચે મહાશિવરાત્રી મેળાની શરૂઆત થઇ છે.
આ પણ વાંચો : જૂનાગઢમાં જિલ્લા આરોગ્ય વિભાગની ટેસ્ટ કરવાની ઢીલી નીતિને કારણે શહેરીજનોમાં ભારે રોષ