જૂનાગઢઃ એક તરફ તમાકુનું વેચાણ કરતાં વેપારીઓ પોતાને મંજૂરી મળે તે માટે વહીવટીતંત્ર સમક્ષ માગ કરી રહ્યાં છે તો બીજી તરફ વ્યસન મુક્તિ કેન્દ્ર સાથે સંકળાયેલા તબીબો તમાકુના વેપારીઓની આવી માગણીને અયોગ્ય અને ગેરબંધારણીય ગણાવી રહ્યાં છે.
જૂનાગઢના તમાકુ વેચાણ કરતા વેપારીઓએ એવો તર્ક રજૂ કર્યો હતો કે જે વ્યક્તિઓ તમાકુ બીડી મસાલા સિગારેટ જેવા વ્યસન ધરાવે છે તેવા લોકો હવે આકુળવ્યાકુળ બનીને શહેરમાં ફરતાં જોવા મળે છે ત્યારે આવા લોકોને તમાકુનું વ્યસન પૂરુ કરવા માટે તેમને તમાકુનું વેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે તો જે લોકો તમાકુની શોધમાં આકુળવ્યાકુળ થઈને ફરે છે તેઓો ઘરની બહાર નીકળવાનું ટાળશે અને lock downનો અમલ ચુસ્તપણે કરશે.
તમાકુનું વેચાણ કરતાં વેપારીઓનો આ તર્ક જૂનાગઢના તબીબો અને વ્યસન મુક્તિ કેન્દ્ર ચલાવતાં ડોક્ટરો બિલકુલ અયોગ્ય અને ગેરવાજબી ગણાવી રહ્યાં છેં તબીબો જણાવી રહ્યાં છે કે lock down ના 29 દિવસ દરમિયાન બીમારીના કિસ્સાઓમાં ખૂબ જ ઘટાડો થયો છે અને એક પણ કિસ્સામાં તમાકુ બીડી સિગારેટ કે મસાલા નહીં મળવાને કારણે કોઈ પણ વ્યક્તિનું મોત નીપજ્યું હોય અથવા તો તે બીમાર પડયો હોય તેવા એક પણ કિસ્સાઓ અત્યાર સુધી સામે આવ્યાં નથી માટે તમાકુના વેપારીઓનો તર્ક બિલકુલ અયોગ્ય, રમૂજ ઉપજાવે તેવો છે. વધુમાં તબીબો જણાવી રહ્યાં છે કે જે પ્રકારે કોરોના વાયરસ અમુક વિસ્તારોમાં હાહાકાર મચાવી રહ્યો છે તેવા વિસ્તારોને આરોગ્યવિભાગ હોટ સ્પોટ તરીકે ગણીને ત્યાં ખૂબ જ સાવચેતીભર્યું વર્તન કરી રહી છે ત્યારે જો તમાકુ વેેચાણ કરવાની મંજૂરી આપવામાં આવે તો દરેક તમાકુનું વેચાણ કેન્દ્ર અફવાઓનું હોટ સ્પોટ બની રહેશે અને તે ઘડીના ચોથા ભાગમાં ઠેરઠેર ફેલાઇ જશે. માટે તબીબો વેપારીઓનો આવો તર્ક દેશદ્રોહ સમાન માની રહ્યાં છે અને તમાકુના વેપારીઓની આ માગને પ્રશાસન નહીં સ્વીકારે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.