જૂનાગઢ એગ્રીકલ્ચર ઓડિટોરિયમ ખાતે મનપા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાંચમાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમને લાભાર્થીઓનો ખુબ જ નિરાશાજનક અને નિરૂત્સાહી કહી શકાય તે પ્રકારનો પ્રતિભાવ સાંપડ્યો હતો.સેવા સેતુ કાર્યક્રમ શરૂ થયાને માત્ર 20 મિનિટમાં જ કાર્યક્રમને પૂર્ણ પણ કરી દેવામાં આવ્યો હતો જેનું એકમાત્ર કારણ લાભાર્થીઓની પૂર્ણપણે ગેરહાજરી જોવા મળી હતી. આ કાર્યક્રમમાં જૂનાગઢ મનપાના અને જિલ્લા વહીવટી તંત્રના કર્મચારીઓ તેમજ જે તે લાભાર્થી યોજનાઓને અંતર્ગત હાજર રહેલા કર્મચારી સિવાય માત્ર પાંચ જ લાભાર્થીઓ હાજર રહ્યા હતા જેને ઉપસ્થિત મહાનુભાવોએ તેમના લાભની સેવાઓ સુપરત કરીને કાર્યક્રમને પૂર્ણ જાહેર કર્યો હતો.
મહત્વનું છે કે, આ કાર્યક્રમની નિષ્ફળતા બતાવી આપે છે કે લાભાર્થીઓને હવે આવા કાર્યક્રમોમાં જવાનું પસંદ નથી અથવા આ કાર્યક્રમને લઈને લાભાર્થી સુધી પૂરતી સૂચનાઓ પહોંચતી કરવામાં નથી આવી જેને કારણે આજે એક પણ લાભાર્થી અહીં હાજર રહ્યો ન હતો.સરકાર દ્વારા અવારનવાર આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે પરંતુ હવે ધીમે ધીમે લોકો આવા કાર્યક્રમો પ્રત્યે નિરૂત્સાહી બની રહ્યા છે.