- ઉપરકોટના કિલ્લામાં યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે રિનોવેશનનું કામ
- હજારો વર્ષ જૂનો ઉપરકો નો કિલ્લો પોતાની જૂની ઓળખ મેળવવા તરફ આગળ
- આગામી બે-ત્રણ વર્ષમાં કામ પૂર્ણ થતા ઉપરકોટનો કિલ્લો ફરી બનશે ઇતિહાસનો સાક્ષી
જૂનાગઢ: અંદાજિત 1 હજાર વર્ષથી વધુનો ઈતિહાસ ધરાવતા ઉપરકોટનાં કિલ્લાનું મહારાજ ઉગ્રસેન દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. ભારતનાં પ્રાચીન સ્થાપત્ય અને તેના ઇતિહાસને સમેટીને બેસેલા ઉપરકોટનાં કિલ્લાને 1 હજાર વર્ષ બાદ ફરી એક વખત તેના જાજરમાન ઈતિહાસ સાથે મેળાપ ક માટે રાજ્ય સરકાર દ્વારા કરોડોના ખર્ચે રિનોવેશન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. હાલમાં ઉપરકોટના કિલ્લા ખાતે યુદ્ધનાં ધોરણે કામ ચાલી રહ્યું છે. જે આગામી ત્રણેક વર્ષમાં પૂર્ણ થઈ જશે.
ઉપરકોટનો કિલ્લો ભારતનાં પ્રાચીન સ્થાપત્યોમાંની ઉત્કૃષ્ટ કલાકૃતિ
ઉપરકોટના કિલ્લામાં અનેક રાજા રજવાડાઓ અને વિધર્મીઓ દ્વારા આક્રમણ કરીને તેના પર કબજો કરવાનો ઇતિહાસ જાણીતો છે. મહારાજા ઉગ્રસેન દ્વારા આ કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું પણ ઇતિહાસમાંથી જાણી શકાય છે. ઉપરકોટના કિલ્લામાં આવેલો રાણકદેવીનો મહેલ આજે પણ કલાકૃતિ અને સ્થાપત્યનું બેનમૂન ઉદાહરણ પૂરું પાડે છે. આ કિલ્લામાં જે તે સમયે રાજા-મહારાજાઓએ અનાજ સાચવવા માટેના જે કોઠાર બનાવ્યા હતા, તે આજનાં સમયને પણ ટક્કર મારે તેવા સુદઢ અને વ્યવસ્થિત છે. વધુમાં, ઉપરકોટનાં કિલ્લામાં કડી વાવ અને નવઘણ કૂવો પણ જોવા મળે છે. જે પણ ભારતનાં પ્રાચીન સ્થાપત્યમાંની ઉત્કૃષ્ટ કલાકૃતિ તરીકે સમગ્ર વિશ્વમાં નોંધવામાં આવે છે. માત્ર જુનાગઢ જ નહીં, પરંતુ સમગ્ર ભારતનાં સ્થાપત્યો અને રાજા રજવાડાઓનો ઇતિહાસ સમેટીને ઊભેલો જુનાગઢનો ઉપરકોટ કિલ્લો રિસ્ટોરેશન બાદ પોતાના જુના અસ્તિત્વ સાથે ભારતની નવી પેઢી માટે ઈતિહાસની ઝાંખી કરાવશે. આગામી દિવસોમાં તે જૂનાગઢને પર્યટનનું હબ બનાવવા માટે પણ ખૂબ મોટું યોગદાન આપશે.