- ગિરનાર રોપ-વેની ટિકિટ પ્રવાસીઓ માટે સમસ્યા
- ટિકિટ નક્કી કરવાની સ્વતંત્રતા ગિરનાર રોપ-વેના સંચાલક ઉષા બ્રેકો કંપની પાસે છે
- પ્રત્યેક વ્યક્તિની ટિકિટ 826 અને બાળકોની ટિકિટ 413 નિર્ધારિત કરાઈ
- જૂનાગઢના ધારાસભ્યએ પણ ટિકિટ ઘટાડવા મુખ્યપ્રધાનને લખ્યો પત્ર
જૂનાગઢઃ રવિવારથી એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે સામાન્ય જનતા અને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. રવિવારે પ્રથમ દિવસે અંદાજે 3000 જેટલા પ્રવાસીઓએ રોપ-વેના સફરની અનુભૂતિ કરી હતી, પરંતુ અહીં રાખવામાં આવેલા ટિકિટોના ખૂબ ઊંચા દરને કારણે પ્રત્યેક પ્રવાસીઓ ભારે મૂંઝવણમાં મૂકાયા હતા. જે ટિકિટ નિર્ધારણ કરી છે તે ખૂબ વધુ હોવાને કારણે તેમાં ઘટાડો કરવાની માગ કરી હતી.
પાવાગઢ અને ગિરનારની ટિકિટના દરમાં જમીન-આસમાન જેટલું અંતર
પાવાગઢ પર વર્ષોથી રોપ-વે ચાલી રહ્યો છે. જેનું સંચાલન પણ ઉષા બ્રેકો કંપની કરી રહી છે, ત્યારે 736 મીટર લંબાઈ ધરાવતા પાવાગઢ રોપવે-ની 141 રૂપિયા જેટલી ટિકિટ છે, જ્યારે 2320 મીટર લંબાઈ ધરાવતા ગિરનાર રોપ-વેની કિંમત 826 રૂપિયા છે. જેથી પ્રવાસીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9317693_a.jpg)
GST સાથે ટિકિટના રૂપિયા
ગિરનાર રોપ-વેમાં 25 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી પ્રત્યેક વ્યક્તિની ટિકિટ 600 રૂપિયાની સાથે 18 ટકા GST મેળવીને 708 રૂપિયા થાય છે. આ જ ટિકિટ 14 નવેમ્બર બાદ 700 રૂપિયા અને 18 ટકા GST સાથે 826 રૂપિયા થવાની છે. આવી રીતે જ તમામ બાળકોની ટિકિટ 350 રૂપિયાની સાથે 18 ટકા GST મેળવીને 413 રૂપિયા થવાની છે. જો કોઇ પણ પ્રવાસી ભવનાથ તળેટીથી અંબાજી મંદિર અથવા અંબાજી મંદિરથી ભવનાથ તળેટી તરફ એક તરફી રોપ-વેમાં પ્રવાસ કરવાની ઈચ્છા રાખતો હશે, તે પ્રવાની એક તરફની ટિકિટના 400 રૂપિયા અને તેમાં પણ 18 ટકા GST મેળવીને કુલ 472 રૂપિયા ટિકિટ થવાની છે.
જૂનાગઢના ધારાસભ્યએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો
ગિરનાર રોપ-વેમાં ખૂબ ઊંચા દરની ટિકિટો નક્કી કરવામાં આવી છે. જેને લઈને હવે આગામી દિવસોમાં રાજકારણ પણ ગરમાય શકે છે. જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશીએ મુખ્યપ્રધાનને પત્ર લખીને તોતિંગ ટિકિટના દર ઘટાડવા માગ કરી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, જે પ્રકારે અસહ્ય ટિકિટના દરો રાખવામાં આવ્યા છે, તેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગની વ્યક્તિ એશિયાના સૌથી મોટા નિર્માણને જોઈ નહીં શકે અને તેમાં પ્રવાસ કરવાની વાત તો ખૂબ દૂરની હશે.
![ETV BHARAT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-03-ropway-ticket-vis-01-byte-04-pkg-7200745_26102020142933_2610f_1603702773_433.jpg)