- જૂનાગઢના શિક્ષક શિખવી રહ્યાં છે ખિચડીની રેસિપી
- ગિરનારી ખીચડીમાં ઉમેરવામાં આવે છે લીલા મસાલા
- લીલી તુવેર, લીલા વટાણા, ગાજર, ગુવાર, બટાકા, ફ્લાવર અને કોથમીરથી બનશે ખીચડી
જૂનાગઢ: ઉત્તરાયણના આગામી તહેવારને લઈને ઈટીવી ભારત તેમના દર્શકો અને વાચકો માટે ખાસ ગિરનારમાં ખવાતી અને ઉત્તરાયણમાં ખૂબ જ પસંદ કરાતી ગિરનારી ખીચડીની રેસિપી લઈને આવ્યું છે. સામાન્ય સંજોગોમાં મહિલાઓ દ્વારા કોઈપણ રેસીપી બનાવવામાં આવતી હોય છે. પરંતુ જૂનાગઢમાં શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા વિભાકર જાની શિક્ષણની સાથે રસોઈ બનાવવાની કળા પણ અદભુત જાણે છે. ત્યારે તેમની પાસેથી જાણીએ ગિરનારી ખીચડીની રેસિપી અને માણીએ સ્વાદ ખીચડીનો.
- લસણ આદુ મરચાં કોથમીર ટામેટા
- વઘાર માટેના સુકા મસાલા
- જીરુ રાઈ મેથી સૂકા લાલ મરચાં તમાલપત્ર મરી તજ લવિંગ બાદીયાન તજ અને વઘાર માટે મગફળીનું તેલ
- ગિરનારી ખીચડીમાં વપરાતા ધાન્ય
- ચોખા, મગ, ચણાની દાળ, તુવેરની દાળ, જુવા, બાજરો, ચોખા અને મગ સિવાય અન્ય ધાન્યોને 24 કલાક પહેલા પલાળીને તૈયાર રાખવા
- ખીચડીને ગાર્નીશિંગ કરવા માટે લીલા મસાલા
- લીલા અને લાલ મરચાં લીંબુ ટમેટા અને ડુંગળીની સ્લાઈસ અને કોથમીરના પાન
ગિરનારી ખીચડી ને બનાવવાની રીત
સૌપ્રથમ ગેસને ઓન કરી અને નોન સ્ટિક અથવા તો પ્રેશર કુકરમાં જરૂરિયાત મુજબનું તેલ ઉમેરો. તેલ બરાબર ગરમ થઈ જાય ત્યારે તેમાં જીરુ રાઈ મેથી સૂકા લાલ મરચા તમાલપત્ર લવિંગ મરી બાદીયાન તજ વગેરે ઉમેરવું. તમામ સુકા આ મસાલાઓ તેલમાં તળાઈ જાય ત્યારબાદ આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઝીણી સમારેલી ડુંગળી અને ટામેટા નાખીને બેથી પાંચ મિનિટ સુધી તેને સાંતળવું. ત્યારબાદ ધીમે ધીમે લીલા શાકભાજી ઉમેરવાની શરૂઆત કરવી.
ગરમ મસાલો સંતળાઈ ગયા બાદ તેમાં અગાઉથી તૈયાર કરીને રાખેલા લીલા શાકભાજી જેવા કે લીલી તુવેર, લીલા વટાણા, ફ્લાવર, બટાકા, ગાજર ઉમેરવા. સંતળાઈ ગયેલા મસાલામાં લીલા શાકભાજી ક્રમશ ધીમે ધીમે ઉમેરતા જવું અને સંતળાઈ ગાયેલા મસાલામાં સારી રીતે મિક્સ થાય તે રીતે હલાવતા રહેવું. આ સમય દરમિયાન ગેસની જ્યોત બિલકુલ ધીમી રાખવી એટલા માટે કે સૂકા મસાલાઓ વધુ ગેસને કારણે બળી જવાની શક્યતાઓ વધુ હોય છે.
ત્યારબાદ કઠોળ અને ધાન્ય ધીમે ધીમે ઉમેરતા જાઓ
સંતળાઈ ગયેલા ગરમ મસાલા અને લીલા શાકભાજીમાં હવે ખીચડીમાં સમાવેશ કરવામાં આવેલા કઠોળ અને ધાન્યને એક બાદ એક ઉમેરતા જવું. પ્રથમ ચોખા નાખ્યા બાદ તેને બરાબર હલાવીને શાકભાજી અને ગરમ મસાલામાં મિક્સ કરવું. ત્યારબાદ મગની દાળ ઉમેરીને ફરી થોડી વાર હલાવીને મસાલા સાથે ચોખા અને દાળને સેટ થવા માટે એકાદ મીનીટનો સમય આપો. ત્યારબાદ અગાઉથી પલાળીને તૈયાર રાખેલી ચણાની દાળ, તુવેરની દાળ, પલાળેલી બાજરી અને પલાળેલી જુવારને ધીમે ધીમે મિક્ષ કરતા જવું અને નિયમિત રીતે સમગ્ર શાક અને કઠોળમાં તેને મિક્સ કરતા રહેવું. આ સમયે ગેસની જ્યોત પણ ધીમી રાખવી હિતાવહ છે.
સ્વાદ અનુસાર મીઠું અને અન્ય દળેલા મસાલા ઉમેરવા
સુકા મસાલા તેલમાં સાંતળાઈ ગયા બાદ તેમાં લીલું શાકભાજી ઉમેરી અંતે પાંચ પ્રકારના ધાન્યને ગિરનારી ખીચડીમાં મિક્સ કર્યા બાદ જરૂરિયાત મુજબનું પાણી ખીચડીમાં નાખવું. ત્યારબાદ પાણી ગરમ થઈ જાય ત્યારે તેમાં સ્વાદ અનુસાર મીઠું, દળેલા મસાલાઓ જેવા કે લાલ મરચાંની ભૂકી ધાણા-જીરુ પાવડર અને હળદરને ઉમેરીને બરાબર મિક્સ થાય તે પ્રકારે બે મિનિટ સુધી સતત હલાવતા રહેવું. ત્યારબાદ ફરી એક વખત ગિરનારી ખીચડીના મિશ્રણને બારીકાઈથી નિરીક્ષણ કરીને જો તેમાં પાણીની વધુ જરૂરિયાત હોય તો નાખીને પ્રેશર કુકરમાં પંદરથી વીસ મિનિટ સુધી ધીમા તાપ પર પકાવ્યા બાદ અંતે 20 મિનિટ પછી ગિરનારી ખીચડી બનીને તૈયાર હોય છે.
ગિરનારી ખીચડી તૈયાર થઇ ગયા બાદ તેને લાલ અને લીલા આખા મરચાં ટમેટા ડુંગળી અને લીંબુની સ્લાઈસથી તેમજ લીલી કોથમીરના પાનથી ગાર્નિશિંગ કરીને પીરસવામાં આવે છે.