- જૂનાગઢની ઓળખ સમો કાવો કોરોનાકાળમાં વધુ પ્રસ્તુત બન્યો
- આયુર્વેદિક ઔષધિઓથી બનતો કાવો શિયાળા દરમિયાન ખૂબ ઉપયોગી પીણું બન્યો
- આવા શિયાળાની ઠંડી સામે રક્ષણ આપવાની સાથે શરદી દૂર રાખવામાં પણ મદદરૂપ
જૂનાગઢ: ગત કેટલાય વર્ષોથી જુનાગઢની ઓળખ બની ચૂકેલો આયુર્વૈદિક કાવો આજે કોરોના કાળમાં વધુ પ્રસ્તુત બન્યો છે. આયુર્વેદિક ઔષધિઓની સાથે શરદી-સળેખમ અને ઠંડી સામે રક્ષણ આપતો પ્રાચીન પરંપરાથી બનતો કાવો આજે કોરોના સંક્રમણના સમયમાં વધુ પ્રસ્તુત બનતો જોવા મળી રહ્યો છે.
જૂનાગઢમાં વર્ષોથી આરોગ્યવર્ધક ઉકાળો પીવાઇ રહ્યો છે
જૂનાગઢમાં ગિરનારી ઔષધીઓને લઈને જે વિપુલતા અને વિશાળતા પ્રાપ્ત થઇ રહી છે, તે કદાચ રાજ્યના અન્ય જિલ્લાઓમાં જોવા મળતી નહીં હોય, ત્યારે આવી ગિરનારી જડીબુટ્ટીઓ અને ઔષધિઓમાંથી બનતો ઉકાળો એટલે જૂનાગઢની શાન સમો કાવો શિયાળામાં અને ખાસ કરીને કોરોના સંક્રમણકાળમાં ખૂબ જ વિસ્તૃત રીતે પ્રચલિત થતો જોવા મળી રહ્યો છે. જૂનાગઢ આવતી પ્રત્યેક વ્યક્તિ કાવાનો ટેસ્ટ કરવા માટે ભવનાથ તળેટી સુધી ચોક્કસ ખેંચાઈ આવે છે. 12 કરતાં વધુ ઔષધિ અને જડીબુટ્ટીઓથી તૈયાર થતો કાવો આયુર્વેદિક દ્રષ્ટિએ પણ શરીર માટે ખૂબ જ ઉપયોગી પીણું બનતો આવ્યો છે.
કોરોનાકાળમાં કાવો જરૂરી
કોરોના સંક્રમણકાળમાં આરોગ્ય વિભાગ અને તબીબો દ્વારા પણ આયુર્વેદિક ઉકાળો પીવાને ખૂબ મહત્વ આપવામાં આવી રહ્યું છે, ત્યારે જૂનાગઢમાં વર્ષોથી પીવાતો આવતો કાવો કોરોના સંક્રમણકાળમાં વધુ પ્રસ્તુત બન્યો છે. આ કાવો શિયાળાની કાતિલ ઠંડીથી શરીરને રક્ષણ આપે છે. જેની સાથે શરદી અને સળેખમ જેવા રોગોને શરીરથી દૂર હટાવી લેવામાં પણ આટલો જ ઉપયોગી છે, ત્યારે કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં કાવો રક્ષણ પૂરું પાડી શકે તેવી શક્યતાઓને નકારી શકાતી નથી.