જૂનાગઢ: જિલ્લાના મજેવડી ગામમાં ગત 9 તારીખ અને બુધવારના દિવસે એકલા રહેતા સવજીભાઈ મકવાણા નામના વયોવૃદ્ધ દેવીપુજક વ્યક્તિને મૂઢ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી અંદાજી 20 લાખ 88 હજાર કરતાં વધુના રોકડ અને સોના-ચાંદીના દાગીનાની લૂંટ (Junagadh Jewelry Robbery)ની ઘટના સામે આવી હતી. બેભાન હાલતમાં રહેલા સવજીભાઈ મકવાણાએ ભાનમાં આવતા કેટલાક ઇસમો તેમને લૂંટીને જતા રહ્યા છે તે મુજબની પોલીસ ફરિયાદ નોંધાવી છે.
15.64 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબ્જે
પોલીસે સમગ્ર મામલાને લઈને તપાસ હાથ ધરી હતી, જેમાં આજે પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. લૂંટમાં શામેલ રાહુલ, ભરત અને દિનેશ નામના ત્રણ દેવીપુજક ઈસમો (Junagadh Robbery Accused)ની સાથે રાહુલની પ્રેમિકા રજિયાને પકડી પાડવામાં જૂનાગઢ પોલીસ (Junagadh police in robbery case)ને સફળતા મળી છે. પકડાયેલા આરોપી પાસેથી અંદાજિત 15 લાખ 64 હજાર કરતા વધુનો મુદ્દામાલ પોલીસને પ્રાપ્ત થયો છે. સમગ્ર મામલાને લઈને પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તમામ આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
આ પણ વાંચો: દેશનું સૌથી મોટું કોર્પોરેટ કૌભાંડ: અલગ-અલગ બેન્કોમાંથી 22,842 કરોડની લોન લઈ સત્તાધીશો રફુ ચક્કર
રાત્રિના સમયે સવજીભાઈના ઘરમાં ઘૂસી
લૂંટનો ભોગ બનનાર સવજીભાઈ મકવાણા અને લૂંટમાં સામેલ રાહુલ ભારત અને દિનેશ દેવીપૂજક એકબીજાને ઓળખતા હતા. રાહુલ અગાઉ સવજીભાઈ પાસેથી કેટલાક રૂપિયા હાથ ઉછીના પણ લીધેલા હતા. તેવી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી છે. સવજી ભાઈ મકવાણા પાસે સારી માલમત્તા હોવાની જાણ આરોપી ત્રણેય યુવાનને થતા તેને લૂંટવાનો કારસો ઘડી કાઢ્યો. રાત્રિના સમયે સવજીભાઈના ઘરમાં ઘૂસીને તેમણે મુઢ માર મારી બેભાન બનાવી ઘરમાં રહેલ રોકડ અને સોના-ચાંદીના દાગીના મળીને કુલ 20 લાખ 88 હજાર કરતાં વધુના મુદ્દામાલની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.
આ પણ વાંચો: ક્રિપ્ટોકરન્સી: નાણાપ્રધાને કહ્યું, ટેક્સ લેવાનો સરકારનો અધિકાર
સોના-ચાંદીના દાગીના કયા વિસ્તારમાં રાખવામાં આવેલા
આ લૂંટમાં ગોંડલ ગામમાં રહેતી રાહુલની પ્રેમિકા રજિયા પણ સામેલ હોવાની પોલીસને જાણ થતા પોલીસે તેની પણ અટકાયત કરી, હાલ પકડાયેલા આરોપી પાસેથી 15 લાખ 64 હજાર કરતાં વધુની રોકડ અને મુદ્દામાલ પોલીસને પ્રાપ્ત થયો છે. આ સિવાયની લૂંટ કરેલી રોકડ અને સોના-ચાંદીના દાગીના કયા વિસ્તારમાં રાખવામાં આવેલા છે અને લૂંટમાં અન્ય કોઈ ઈસમોની સંડોવણી છે કે નહીં. તેને લઈને પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.