જૂનાગઢ: ભારે વરસાદને કારણે જૂનાગઢ જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થયા છે. શહેરમાં NDRFની ટીમે અને જૂનાગઢ ફાયર વિભાગે પૂરના પાણીમાં ફસાયેલા 40 કરતાં વધુ ખેડૂતો અને ખેત મજૂરોનું ટીનમસ અને બામણાસા ગામમાંથી રેસ્ક્યુ કર્યું હતું. છેલ્લા કેટલાક દિવસોથી જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદ પડી રહ્યો છે. જેને કારણે જૂનાગઢનો ઘેડ વિસ્તાર જળબંબાકાર થયો છે.
જેમાં ગઈકાલે વંથલી તાલુકાના ટીનમસ ગામમાં તેમજ કેશોદ તાલુકાના બામણાસા ગામમાં કેટલાક ખેડૂતો અને ખેત મજૂરો પૂરના પાણીમાં ફસાયા હોવાની વિગત મળી હતી. તમામ લોકોને બચાવી લેવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં ટીનમસ ગામના બે ખેતરોમાંથી 11 જેટલા ખેડૂતો અને ખેત મજૂરો તેમજ કેશોદ તાલુકાના બામણાસા ગામમાં 30 કરતાં વધુ ખેત મજૂરો અને ખેડૂતોનું રેસ્કયું કરવામાં NDRF અને જૂનાગઢ ફાયર વિભાગને સફળતા મળી હતી.