વેરાવળ: ભોઈ સમાજ દ્વારા છેલ્લા 100 કરતાં વધુ વર્ષથી હોળી-ધૂળેટીના તહેવારોને લઈને શિવના સ્વરૂપ એવા ભૈરવનાથ (junagadh bhairavnath ) દાદાની પ્રતિમાનું ભારે આસ્થા સાથે સ્થાપન કરવામાં આવે છે. હોળી અને ધૂળેટીના દિવસો દરમિયાન દેશ-વિદેશના ખુબ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો શિવના સ્વરૂપ ભૈરવનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે સાથે ભૈરવનાથ દાદાને ખજૂર ધાણી દાળીયા સહિત મદિરા પણ પ્રસાદ તરીકે અર્પણ કરીને પરંપરાગત રીતે ભૈરવનાથ દાદાની પૂજા કરી રહ્યા છે.
વેરાવળના ભૈરવનાથ દાદાની પ્રતિમા ધાર્મિક આકર્ષણ: હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન વેરાવળના ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ ઉત્સવ (Veraval Bhairavnath Utsav)નું આયોજન વર્ષોથી પરંપરાગત રીતે કરવામાં આવે છે. પુરાતન સમયમાં જ્યારે અંધકાર યુગ હતો તેવા સમયથી ભોઈ સમાજ દ્વારા ભૈરવનાથ ઉત્સવની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી. જે આજે આધુનિક યુગમાં પણ ભોઈ સમાજના યુવાનો દ્વારા ભૈરવનાથ ઉત્સવની પરંપરાગત ઉજવણી (Traditional Holi Celebration) કરવામાં આવે છે.
30 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા: ભૈરવનાથ ભગવાન શિવનું રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. અહીં હોળીના દિવસથી ભૈરવનાથ દાદાની 30 ફૂટ ઊંચી ભવ્ય પ્રતિમા બનાવવાનો પ્રારંભ યુવાનો દ્વારા કરવામાં આવે છે. જેને હોળીના દિવસે સવારથી ભાવિ ભક્તો દર્શન કરી શકે તે માટે ખુલ્લી મૂકવામાં આવે છે.
નિસંતાન દંપતિઓને સંતાન: ભૈરવનાથ દાદાને ભગવાન શિવનું દિગંબર સ્વરૂપ માનવામાં આવે છે. પ્રાચીન પરંપરા મુજબ ભૈરવનાથ દાદાની માનતા કરવામાં આવે તો પ્રત્યેક નિસંતાન દંપતીઓના ઘરે પારણું બંધાય છે. આવી ધાર્મિક માન્યતા આજે પણ લોકોમાં ભારે આસ્થા જગાવી રહી છે. જે દંપતીની માનતા પૂર્ણ થાય તેવા પતિ પત્ની તેમના બાળકને હોળીના દિવસે ભૈરવનાથ દાદાના ચરણોમાં અચૂક લાવે છે.
મદિરાનો પ્રસાદ: સામાન્ય રીતે કોઇ દેવી-દેવતાને મદિરાનો પ્રસાદ ચઢાવવામાં આવતો હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે, ત્યારે વેરાવળમાં સ્થાપિત કરવામાં આવતા ભૈરવનાથ દાદાના ચરણોમાં મદિરાનો પ્રસાદ અર્પણ કરીને શિવના રોદ્ર સ્વરૂપ એવા ભૈરવનાથની કૃપા તેમના પરિવાર પર સદાય જળવાઈ રહે તેવી આસ્થા સાથે ભાવિ ભક્તો ભેરવનાથ દાદાના દર્શન કરીને ભારે ધન્યતા અનુભવે છે.