જૂનાગઢ : આગામી 16 ઓક્ટોબરના રોજ જૂનાગઢ AMPCની સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે. આ અંતર્ગત હવે સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. મંગળવારના રોજ કોંગ્રેસ પ્રેરિત કેટલાક ઉમેદવારો અને સહકારી અગ્રણીઓએ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ એવી માગ કરી હતી કે, ભાજપ પ્રેરિત અને જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલની ઉમેદવારી રદ્દ થવી જોઈએ.
આ સાથે કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ રજિસ્ટાર કચેરીમાં ધરણાં કર્યા હતા, પરંતુ કોઈ પણ નિર્ણય નહીં આવતા પોલીસની સમજાવટને અંતે ધરણા કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. જે બાદ બુધવારે ફરી એક વખત કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો અને સહકારી અગ્રણીઓ રજિસ્ટ્રાર કચેરીએ પહોંચ્યા હતા અને જરૂરી દસ્તાવેજની માંગ કરી હતી.
કિરીટ પટેલની ઉમેદવારીનો વિરોધ કરી રહેલા કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોએ સહકારી અગ્રણીઓ અને જિલ્લા રજિસ્ટાર પર સરકાર તેમજ ભાજપ પ્રેરિત ઉમેદવારોને આડકતરી રીતે મદદ કરતા હોવાનો આક્ષેપ પણ લગાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાના સત્રમાં પણ સહકારી સંસ્થાઓ અને ખાસ કરીને માર્કેટિંગ યાર્ડ જેવી ચૂંટણીઓમાં કેટલાક નવા નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે. આવી પરિસ્થિતિમાં કેટલાક ચૂંટણી લડવા માંગતા ઉમેદવારોએ સરકારી નિયમોની પૂરતી અને યોગ્ય જાણકારી જિલ્લા રજિસ્ટાર કચેરી દ્વારા પૂરી પાડવામાં નહીં આવતા કેટલાક ઉમેદવારીપત્રક ભર્યુ ન હતું, જેને લઇને આ મામલે છેલ્લા 48 કલાકથી સતત વિરોધ જોવા મળી રહ્યો છે.