- જૂનાગઢ ડિવિઝનની ટીમે એસટી બસનું ચેકિંગ હાથ ધર્યું
- મહિલા કંડક્ટરની મનમાની
- થોડા દિવસ પહેલા એક મહિલા કંડક્ટરને ડિસમિસ કરવામાં આવી હતી
જૂનાગઢઃ હાલારમાં એસટી બસની સેવાનો મોટા પ્રમાણમાં પ્રવાસીઓ લાભ લઇ રહ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકો મોટા પ્રમાણમાં અપડાઉન કરતા હોવાથી લોકોના અવર જવાર રહેતી હોય છે ત્યારે એસટી વિભાગ નાના-મોટા વિવાદોમાં ઘેરાયેલું હોય છે. તા. 2ના રોજ જામજોધપુર ડેપોની બસના મહિલા કંડક્ટર 40 પ્રવાસીઓની ટિકિટના પૈસા ઓળવી ગયા હતાં અને તપાસ દરમિયાન પકડાઇ જતાં એસટી વિભાગમાં હડકંપ મચી ગયો હતો. આમા એસટી વિભાગ કયાંથી ઉંચી આવે તેવા સવાલો પણ લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ જૂનાગઢ ST ડિવિઝન હેઠળ આવતા મોટાભાગના ગ્રામ્ય રૂટોની બસ સેવા શરૂ
જૂનાગઢ ડેપો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતુ ચેકિંગ
જામજોધપુર એસટી વિભાગની મોખાણાથી ભાણવડ જતી બસને જૂનાગઢ ડિવિઝનની ટીમના વી. એલ. શામળા SSI આર. કે. ચંદ્રાવડીયા SA, વી. એસ. રાવલીયાએ કાયદેસરની કાર્યવાહી કરી હતી. ચેકિંગની કાર્યવાહી હાથ ધરતા બસના તમામ 40 પ્રવાસીઓ પાસેથી જે તે રૂટની ટિકિટ ટીમ દ્વારા માગવામાં આવતા તમામ મુસાફરો પાસે ટિકીટ ન હોવાનું સામે આવ્યુ હતું અને બસના મહિલા કંડકટર મીના એમ. મોઢવાડીયાએ પ્રવાસીઓને ટિકિટ જ ન આપી અને ટિકિટના પૈસા પોતાની પાસે રાખી હોવાનું સામે આવતા રંગેહાથ ઝડપાઇ ગયા હતાં. આ મહિલા કંડકટર કેટલા સમયથી આ રીતે પૈસા ઓળવી જતા હોવા અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે. હાલ મહિલા કંડકટરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને વડી કચેરીએથી આગામી દિવસમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ એસટી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતુ.