- તહેવારોના દિવસોમાં ગિરનાર રોપ-વે પર ઉમટ્યું માનવ મહેરામણ
- ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવેલા પ્રવાસીઓને પણ પાંચ કલાક ઉભા રહેવા પડતા રોષ
- સિનિયર સિટીઝન માટે પણ કોઈ ખાસ વ્યવસ્થા નહીં કરાતા પરિવારજનોમાં રોષ
ગિરનાર: તહેવારોના સમયમાં ગિરનાર રોપ-વે (Girnar ropeway) પર પ્રવાસીઓનું મહેરામણ ઉમટી પડ્યું હતું, દિવાળીનો તહેવાર પૂર્ણ થયો છે, ત્યારે ગિરનાર રોપ-વેની સફર કરવા ખૂબ જ મોટી સંખ્યામાં યાત્રિકો જોવા મળ્યા હતા, આ યાત્રિકોને કારણે ગિરનાર રોપ-વે સાઈડ પર ખૂબ જ ધાંધલ-ધમાલભર્યા દ્રશ્યો પણ સામે આવ્યા હતા.
ગાઇડલાઇનનો ખુલ્લેઆમ ભંગ
મોટા ભાગના પ્રવાસીઓ કોરોના સંક્રમણની ગાઇડલાઇન (Covid guideline)નો ખુલ્લેઆમ ભંગ થતો હોવાના ચિંતાજનક દૃશ્યો સામે આવ્યા છે. જે પ્રકારે યાત્રિકો રોપ-વેમા પ્રવાસ કરવાને લઈને ખૂબ ઉત્સાહિત હતા. પણ યાત્રિકોને લઈને કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં કરાતા પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
પ્રવાસીઓમાં ભારે રોષ
ઓનલાઇન ટિકિટ બુકિંગ કરાવેલા યાત્રિકોને પણ પાંચ કલાક સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી હતી. જે યાત્રિકોનો પ્રવેશ સવારે 9 વાગ્યે થવાનો હતો તેવા યાત્રિકો પણ સવારના ૧૧ કલાક સુધી લાઇનમાં ઉભેલા જોવા મળતા હતા. આ પ્રકારની અવ્યવસ્થાને કારણે પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળતો હતો. તો બીજી તરફ સિનિયર સીટીઝનો માટે કોઈપણ પ્રકારની વ્યવસ્થા રોપ-વે સાઇટ પર કરવામાં આવી ન હતી, જેને કારણે પરિવારજનોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો: હર હર મહાદેવ: દિવાળીમાં સન્મુખ અને ઓનલાઇન દર્શન કરી શકશે સોમનાથ મહાદેવના ભક્તો
ETV ભારતે રોપવેના અધિકારીનો સંપર્ક કર્યો
પ્રવાસીઓના ધસારાને લઈને યાત્રિકોને પડી રહેલી પારાવાર મુશ્કેલી તેમજ ઓનલાઇન બુકિંગ કરાવેલા પ્રવાસીઓને પાંચ કલાક કરતા વધારે સમય પસાર કરવો પડ્યો છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સ અને મોટી સંખ્યામાં યાત્રિકોની હાજરીને લઈ ગિરનાર રોપ-વેના વરિષ્ઠ અધિકારી જી.એમ.પટેલ સાથે ETV ભારતે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે ફોન ઉપાડવા સુધીની તસ્દી લીધી ન હતી.
આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના પરિવાર સાથે નવાવર્ષની ઉજવણી કરી