- રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણનો વિરોધ જૂનાગઢમાં પણ જોવા મળ્યો
- દિવાન ચોકમાં બેન્ક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું
- કેન્દ્ર સરકારના બેંકોના ખાનગીકરણ કરવાના નિર્ણયને બેંક કર્મચારીઓએ ગણાવ્યો અયોગ્ય
જૂનાગઢઃ રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં બેંક કર્મચારીઓ આજે સોમવારથી બે દિવસ સુધી હડતાળ પર છે. કેન્દ્ર સરકાર દ્વારા બેન્કોનું અને ખાસ કરીને રાષ્ટ્રીયકૃત બેન્કોનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ બેન્કોનું વિલીનીકરણ કરવામાં આવી રહ્યું છે, તેને લઈને કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ પણ કર્મચારીઓએ રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણના વિરોધમાં આંદોલન કર્યા હતા, ત્યારે વધુ એક વખત બેન્કોના ખાનગીકરણને લઈને રાષ્ટ્રવ્યાપી વિરોધ કર્મચારીઓ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રથમ દિવસ, 10 લાખ કર્મચારીઓનું સમર્થન
બેન્ક કર્મીઓની હડતાળને લઈ અંદાજીત કરોડો રૂપિયાથી પણ વધુનો નાણાકીય વ્યવહાર ઠપ થવાની શક્યતા
કર્મચારીઓ આંદોલન પર ઊતરી જતા આજે સોમવારે અને મંગળવારે બે દિવસ સુધી જૂનાગઢ શહેર અને જિલ્લામાં રાષ્ટ્રીયકૃત બેન્કોનો વ્યવહાર ઠપ્પ થશે. અંદાજિત 2 હજાર કરતાં વધુ કર્મચારીઓ બે દિવસ સુધી રાષ્ટ્રીયકૃત બેન્કોના ખાનગીકરણને લઈને પ્રતિકાત્મક હડતાલ પર જોવા મળી રહ્યા છે. જેને કારણે અંદાજીત કરોડો રૂપિયાથી પણ વધુનો નાણાકીય વ્યવહાર ઠપ થવાની શક્યતા છે. જેથી સામાન્ય અને નાના ખાતેદારોને પારાવાર મુશ્કેલી પડી શકે છે. ઉલ્લેખનીય છે કે, શનિવારે અને રવિવારે બેન્ક બધ હતી, ત્યારબાદ આજે સોમવારે હડતાળને કારણે બેન્કો બધ છે. આ ઉપરાંત આવતીકાલે મંગળવારે પણ હડતાળને લઈ બેન્ક બંધ રહેશે, જેથી નાના ખાતેદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.