ગીર સોમનાથ: સોમનાથ દર્શન માટે આવતા ભાવિકો સાથે સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓનો (Employees of Somnath Trust) વ્યવહાર સુગમતા ભર્યો અને વ્યક્તિત્વને નિખારે આપે તે પ્રકારનો બનાવવા માટે ટ્રસ્ટના તમામ કર્મચારીઓને વ્યક્તિત્વ વિકાસની તાલીમ (Personality development training) આપવાની શરૂઆત કરવામાં આવી છે. આ તાલીમ આગામી 14મી તારીખ સુધી ચાલુ રહેશે. ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના તમામ કર્મચારીઓ વ્યક્તિત્વ વિકાસની વિશેષ તાલીમ મેળવીને દર્શનાર્થે આવતા ભાવિકો સાથે વ્યવહાર કરતાં જોવા મળશે.
ગુજરાત ટુરિઝમ અને હોટેલ મેનેજમેન્ટ નિષ્ણાંતો આપી રહ્યા છે કર્મચારીને તાલીમ
સોમનાથ ટ્રસ્ટના કર્મચારીઓને (Personality development training) ગુજરાત ટુરિઝમ વિભાગ અને સ્ટેટ ઇન્સ્ટિટયૂટ ઓફ હોટલ મેનેજમેન્ટ સિદ્ધપુરના અધિકારીઓ સોમનાથ ટ્રસ્ટના સહયોગથી કર્મચારીઓને તાલીમ આપી રહ્યા છે. ગુજરાત ટુરિઝમના આસિસ્ટન્ટ પ્રોફેસર રજત કટિયાર અને તનિષ ગૌસ્વામીએ સમગ્ર પર્સનાલિટી ડેવલોપમેન્ટ ટ્રેનિંગ માટે માધ્યમોને જણાવ્યું હતું કે, અમે ટ્રસ્ટના કર્મચારીઓને આગામી ચાર દિવસ સુધી વ્યક્તિત્વ વિકાસની તાલીમ આપીશું.
આ પણ વાંચો: સોમનાથનો સુવર્ણ યુગ આવ્યો ફરી, શિખરના કળશ કરાયા સુવર્ણમંડિત
ગુજરાતમાં પ્રથમ તાલીમ વર્ગ
સોમનાથ ટ્રસ્ટંનુ મુખ્ય લક્ષ્ય એક જ છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ સાથે કઈ રીતે વાત કરવી, તેમની પોતાની વેશભૂષા અને પોશાકની કાળજી કઇ રીતે રાખવી, કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા કે આકસ્મિક રીતે ઉભી થયેલી સમસ્યાને ઉકેલવા માટે કેવા પ્રકારના અભિગમો સાથે કામ કરવુ તે અંગેની વિશેષ તાલીમ આપવામાં આવી રહી છે. રજત કટીયાર આ પ્રકારની તાલીમ વડાપ્રધાન આવાસ હૈદરાબાદ હાઉસ અને વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે આપી ચૂક્યા છે. આ પ્રકારનો ગુજરાતમાં પ્રથમ તાલીમ વર્ગ છે અને તેની શરૂઆત સોમનાથ ટ્રસ્ટથી કરવામાં આવી છે.
આ પણ વાંચો: સોમનાથ ટ્રસ્ટની મોટી જાહેરાત, સોમનાથ નજીક 21 કરોડના ખર્ચે બનાવવામાં આવશે પાર્વતી મંદિર
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજરે તાલીમ અંગે આપી જાણકારી
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સમગ્ર તાલીમને લઇને માહિતી આપતાં જણાવ્યું હતું કે, તાલીમ પાછળનો તેમનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે, સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે આવતા દેશ અને દુનિયાના યાત્રિકો અહીંથી સારી ભાવનાઓ અને લાગણીઓ લઈને પરત તેમના રાજ્ય કે દેશમાં જાય તેને લઈને આ તાલીમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. વ્યક્તિત્વ વિકાસની તાલીમથી કર્મચારીઓના હાવભાવ અને વર્તનમાં ફેરફાર આવશે. સાથે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ટ્રસ્ટની ઈમેજ પણ ખુબ જ ઝડપભેર વિશ્વ કક્ષાએ પહોંચી શકે છે તેવો ભરોસો પણ તેમણે વ્યક્ત કર્યો હતો. સોમનાથ ટ્રસ્ટમાં કામ કરી રહેલા 110 જેટલા કર્મચારીઓ અને અધિકારીઓ આ વિશેષ તાલીમમાં ભાગ લીધો છે.