જૂનાગઢઃ રવિવારે જનતા કરફ્યૂનો માહોલ સમગ્ર દેશમાં જોવા મળ્યો હતો. રવિવારે વહેલી સવારથી જ લોકો જનતા કરફ્યૂમાં જોડાઈને કોરોના વાઈરસને પરાજીત કરવા માટે કમર કસી રહ્યા છે. જનતા કરફ્યૂમાં જોડાઈને વૈશ્વિક મહામારી સામે લોકોએ જનતા યુદ્ધનું મંડાણ શરૂ કર્યું છે. ત્યારે જૂનાગઢ મનપાએ પણ કોરોના વાઇરસની પૂરતી જાણકારી અને સાવચેતી દરેક વ્યક્તિ સુધી પહોંચી શકે તે માટે જાહેર માધ્યમોનો સહારો લઇને લોકોને કોરોના વાઇરસ અને તેની સાવચેતી અંગે માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો હતો.
જૂનાગઢ મનપા દ્વારા જાહેર માધ્યમોનો ઉપયોગ કરીને કોરોના વાઇરસ અને તેની સાવચેતી અંગેની માહિતી શ્રાવ્ય માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડી હતી, જ્યારે સોશિયલ મીડિયાના અતિક્રમણને લઈને કેટલીક હકીકતોનો દુષપ્રચાર પણ થતો હોય છે અને તેમાં લોકો ખૂબ જ ઝડપથી વિશ્વાસ કરી બેસે છે. ત્યારે આધુનિક સમયમાં પણ લોકોને માહિતગાર કરવા માટે જૂનાગઢ મનપાએ લાઉડ સ્પીકરનો ઉપયોગ કરીને વાઇરસ અંગેની સાચી જાણકારી અને સાવચેતી લોકો સુધી પહોંચે તે માટેનો પ્રયાસ પણ કર્યો હતો.