- શ્રાવણ વદ પાંચમ એટલે નાગ પંચમીનો તહેવાર આજે થઈ રહી છે નાગદેવતાની પૂજા
- આપણા શાસ્ત્રોમાં ગૌ પૂજા શસ્ત્ર પૂજા વૃક્ષ પૂજા અને નાગ પૂજા ને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે
- શિવ શંકરે પણ માતા પાર્વતીને નાગ પાંચમના ધાર્મિક તહેવારની સમજાવી હતી મહત્તા
જૂનાગઢ: હિંદુ ધર્મ સંસ્કૃતિમાં પશુપક્ષી, વૃક્ષો, વનસ્પતિ વગેરેનું સન્માન થાય અને તેની સાથે પ્રત્યેક વ્યક્તિની આત્મિયતા વધે તે માટે શાસ્ત્રોમાં ગૌ પૂજા, શસ્ત્ર પૂજા, વૃક્ષ પૂજા અને નાગ પૂજાને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ત્યારે શ્રાવણ વદ પાંચમના દિવસે નાગના પૂજનનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. આર્ય સંસ્કૃતિએ નાગને દેવ તરીકે સ્વીકાર્યા છે. નાગ દેવતા ખેતરનું રક્ષણ કરતા હોવાથી તેને ક્ષેત્રપાળ તરીકે પણ પૂજવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણએ ગીતામાં લખેલું છે કે, નાગમાં હું વાસુકી નાગ છું. ત્યારે શિવે સમગ્ર સૃષ્ટિનું કલ્યાણ થાય તે માટે ગળામાં સર્પને ધારણ કર્યો છે તેથી તે નીલકંઠ કહેવાયા છે. સાપોની આવી અનેક ધાર્મિક માન્યતાને લઈને આજે શ્રાવણ વદ પાંચમના દિવસે નાગ પંચમીનો તહેવાર હિન્દુ ધર્મમાં મનાવવામાં આવી રહ્યો છે
ભાવિકોએ નાગદેવતાને દૂધ કુલેર અને શ્રીફળનો નૈવેધ ધરાવી ને કરી નાગ પાચમ ની પૂજા
આજે નાગ પંચમીના પાવન પર્વે જૂનાગઢમાં આવેલા ખેતલીયા દાદાના મંદિરે વહેલી સવારથી જ ભાવી ભક્તોએ નાગદેવતાના દર્શન કરી નાગપંચમીના તહેવારની ઉજવણી કરી હતી આજે સવારે મંદિરમાં નાગદેવતાને કુલેર અને શ્રીફળનો નૈવેદ્ય ચડાવીને ભાવી ભક્તોએ નાગ પંચમીના પાવન પર્વની ઉજવણી કરી હતી મહિલાઓ પોતાના બાળકો સાથે આજે મંદિરે આવતી જોવા મળતી હતી અને નાગદેવતા તેમના પરિવારનું સદાય રક્ષણ કરે તે માટેની પ્રાર્થના કરીને નાગ પંચમીના ધાર્મિક તહેવારની ઉજવણી કરી હતી
ભગવાન શિવ શંકરે માતા પાર્વતીને નાગ પાચમની પૂજા અને વ્રતનું સમજાવ્યું હતું મહત્વ
નાગ પંચમીના તહેવાર સાથે અનેક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે નાગ પંચમીના વ્રતનો મહિમા ભગવાન શિવ શંકરે પાર્વતીજીને સમજાવતા જણાવ્યું હતું કે નાગ પંચમીનું વ્રત અતિ પુણ્યકારક માનવામાં આવે છે અને તે દેવોને પણ દુર્લભ હોય છે નાગ પંચમીના દિવસે દૂધથી બનાવવામાં આવેલા નૈવેદ્ય ભક્તિભાવથી નાગદેવતાની પૂજા કરવાની સાથે ભૂદેવોને સહર્ષ જમાડી તેને પ્રસન્ન કરી યથાશક્તિ દાન આપવાથી નાગપંચમીના દિવસે કરેલી પૂજાથી વિષ્ણુ પદ પણ પ્રાપ્ત થતું હોય છે આવી ધાર્મિક માન્યતા સાથે આજે નાગપંચમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યું છે.