- ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત્રી મેળો
- મેળામાં ભજન અને ભક્તિની સાથે ભોજન પણ રાખે છે આગવું મહત્વ
- ગોદળ અખાડામાં સાધુ-સંન્યાસીઓ માટે કરાયું ભંડારાનું આયોજન
જૂનાગઢ: જિલ્લાના ભવનાથમાં ગિરિ તળેટીમાં આદિ-અનાદિ કાળથી આયોજિત થતો મહાશિવરાત્રીનો મેળો ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી ઓળખાતો રહ્યો છે. અલખના ઓટલે આવેલા સાધુ-સંન્યાસીઓ ભજન અને ભક્તિની સાથે ભોજનની પણ વિશેષ વ્યવસ્થા ધાર્મિક સંસ્થાઓ અને અખાડાઓના મહંતો અને ગાદીપતિઓ કરે છે. જેમાં સમગ્ર દેશમાંથી આવેલા સાધુ-સંન્યાસીઓ ભોજન પ્રસાદ ગ્રહણ કરીને મહાશિવરાત્રીના મહાપર્વને ઉજવતા હોય છે, ત્યારે ભવનાથમાં આવેલા ગોદળ અખાડામાં પણ સાધુ-સંન્યાસીઓ માટે ભંડારાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં સંન્યાસીઓએ ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ પણ વાંચો: મહાશિવરાત્રીના તહેવાર પર જૂના અખાડામાં ગુરુદત્તની આરતી
અલખને ઓટલે ભોજન પ્રસાદ
ભંડારામાં હાજર રહેલા પ્રત્યેક સંન્યાસીને ભાવથી અલખને ઓટલે ભોજન પ્રસાદ આપવામાં આવે છે. ત્યારબાદ ભંડારાનું આયોજન કરનાર અખાડાના મહંત કે ગાદીપતિ તમામ સંન્યાસીઓને તેમની શક્તિ મુજબ ભેટપૂજા પણ આપવામાં આવે છે. ત્યારબાદ આ ભંડારો વિધિવત રીતે પૂર્ણ થાય છે. સતત પાંચ દિવસ સુધી આ પ્રકારના ભોજન પ્રસાદના ભંડારાનું આયોજન થતું આવે છે. તેની સાક્ષી ગિરિ તળેટી વર્ષોથી બનતી આવી છે. સતત પાંચ દિવસ સુધી ધાર્મિક જગ્યાઓ અખાડાઓ અને અન્નક્ષેત્રમાં સાધુ-સંન્યાસીઓ માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા થતી હોય છે. જેમાં શિવરાત્રિના મેળામાં ભાગ લેવા માટે આવેલા દેશભરનાં સાધુ-સંન્યાસીને ભોજન પ્રસાદ વિનામૂલ્યે આરોગવાની વ્યવસ્થા થતી આવી છે અને આગામી વર્ષોમાં પણ થતી આવતી જોવા મળશે.
આ પણ વાંચો: છેલ્લા 12 વર્ષથી મૌન વ્રત અને શિવજીની સેવા કરતા ખડેશ્રી બાબા ભવનાથના મેળાનું આકર્ષણ