જૂનાગઢઃ હાલમાં ઊનાળો તેની ટોચે છે અને ચોપાસ ગરમીનું સામ્રાજ્ય છવાયેલું છે. ત્યારે ચકલી જેવા ટચૂકડાં અને નાજૂક કહેવાય એવા પંખી માટે જૂનાગઢ શહેરના યુવાનોએ સેવાનો અનોખો પથ કંડાર્યો છે.પ્રકૃતિ પર્યાવરણ અને તેની પૂરક કડી એવા જીવો પૈકી પક્ષીઓનો બચાવ અને સંરક્ષણ થાય તે માટેના પ્રયાસનું આ અભિયાન શરૂ કર્યું છે.
આ સમય દરમિયાન ખાસ કરીને નાના પક્ષીઓ અને તેમાંય ચકલીઓ માળા બાંધીને ઈંડા આપતી હોય છે ત્યારે સતત ઘટી રહેલાં જંગલને કારણે પક્ષીઓને માળા બાંધવાની જગ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. જેની ચિંતા કરીને પક્ષીઓ માટે ખાસ માટીના માળાની વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. જે પક્ષીઓ અને ખાસ કરીને ચકલી જેવા પક્ષી માટે ખૂબ જ ઉપયોગી બની રહે છે.
આ યુવાનોએ નવરાત્રિ દરમિયાન મા જગદંબાની આરાધના કર્યા બાદ જે માટીના ગરબા મંદિરોમાં પડતર પડી રહેલાં હતાં તેને એકત્ર કરીને લોખંડના તાર વડે જૂનાગઢ શહેરના જાહેર માર્ગો પર આવેલા વૃક્ષોમાં બાંધીને ચકલી સહિત નાના પક્ષીઓ અને ખિસકોલી માટે ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા કરવાનો વિચાર અમલમાં મૂક્યો છે. જેમાં જૂનાગઢના કેટલાક યુવાનો જોડાઇને અભિયાનને સમગ્ર શહેરમાં વિસ્તારવાનું કામ કરી રહ્યાં છે.