- તોરણીયા નજીક આવેલા નકલક ધામમાં અષાઢી બીજના કાર્યક્રમ રદ
- કોરોનાને કારણે સરકારના દિશાનિર્દેશો બાદ મહંતે લીધો નિર્ણય
- સતત બીજા વર્ષે સાદાઈથી ઉજવાશે અષાઢી બીજના કાર્યક્રમો
જૂનાગઢ : શહેર નજીક આવેલા તોરણીયા ગામમાં નકલક ધામ ખાતે આગામી અષાઢી બીજની તમામ ધાર્મિક ઉજવણી રદ્દ કરવાનો નિર્ણય મહંત દ્વારા કરવામાં આવ્યો છે. કોરોના સંક્રમણને કારણે સરકાર અને આરોગ્ય વિભાગના દિશાનિર્દેશોનું ચુસ્તપણે પાલન કરીને તોરણીયા ધામમાં સતત બીજા વર્ષે અષાઢી બીજની ઉજવણી ધાર્મિક પરંપરા અનુસાર સાદાઈથી કરવામાં આવશે. અષાઢી બીજના દિવસે મંદિર ભક્તો માટે બંધ રહેશે. સંસ્થાના માત્ર કેટલાક અગ્રણી સંતોની હાજરીમાં અષાઢી બીજની ધાર્મિક ઉજવણી અને પૂજન વિધિ હાથ ધરવામાં આવશે.
સતત બીજા વર્ષે ઉજવણી રહેશે બંધ
અષાઢી બીજની પરંપરા અનુસાર નકલક ધામમાં ઉજવણી કરવામાં આવતી હોય છે. દેવીદાસ બાપુ અને અમરમાની ધાર્મિક કથાને કારણે ભક્તો અષાઢી બીજના દિવસે દર્શનાર્થે આવતા હોય છે. અહીં રામદેવપીરનું પણ ખુબ મહત્વ જોવા મળે છે. નકલક ધામમાં રામદેવપીરની પૂજા કરવામાં આવે છે. ત્યારે દેવીદાસ બાપુ અને રામદેવપીરના દર્શન કરવા માટે અષાઢી બીજના દિવસે ખૂબ મોટો ધાર્મિક મેળાવડો અગાઉના વર્ષોમાં થતો હતો, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોના સંક્રમણને કારણે જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. તેનાથી સતત બીજા વર્ષે નકલંક ધામ તોરણીયામાં તમામ પ્રકારની ધાર્મિક ઉજવણી સાદાઈથી કરવામાં આવી રહી છે.
![કોરોનાને કારણે નકલક ધામ તોરણીયા ખાતે તમામ ધાર્મિક કાર્યક્રમો રદ્દ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-jnd-01-toraniya-vis-01-byte-01-pkg-7200745_09072021134457_0907f_1625818497_984.jpg)
તમામ વ્યવસ્થાઓ આ વખતે પણ રહેશે બંધ
અષાઢી બીજના ધાર્મિક પર્વને ઉજવવા માટે સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો અગાઉથી જ નકલક ધામ તોરણીયા આવી જતા હોય છે. આ ભક્તો માટે ઉતારાથી લઈને ભોજન, પ્રસાદ સહિતની તમામ વ્યવસ્થાઓ એક અઠવાડિયા પહેલા જ શરૂ કરી દેવામાં આવતી હોય છે, પરંતુ જે પ્રકારે આ વર્ષે કોરોનાનું સંક્રમણ ઘટવા છતા સરકારના દિશા-નિર્દેશોનું ચુસ્તપણે પાલન કરવા માટે આ વર્ષે પણ ભોજન, પ્રસાદ, ઉતારા સહિતની તમામ વ્યવસ્થાઓ બંધ રાખવામાં આવી છે.