જૂનાગઢઃ દેશ સહિત સમગ્ર રાજ્યમાં કોરોના મહામારી છેલ્લા કેટલાય મહિનાથી ચાલી રહી છે. ત્યારે કોરોના સામેનું એકમાત્ર રક્ષણ એટલે માસ્ક જેથી રાજ્ય સરકારે માસ્ક પહેરવા ફરજિયાત બનાવ્યા છે, પરંતુ સાત મહિના બાદ પણ જાહેર આરોગ્ય વિભાગ માસ્કને લઈને હજુ સંતુષ્ટ ન હોય તે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો દિનકર રાવલે સોમવારે તમામ જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશ્નર અને જિલ્લા પંચાયતને પત્ર પાઠવીને વાલ્વ કે ફિલ્ટર વાળા માસ્ક કોરોના સંક્રમણ સામે રક્ષણ પૂરું પાડતા નથી, તેવી જનજાગૃતિ ફેલાવવા આદેશ કર્યો છે.
કોરોના સંક્રમણને એકમાત્ર માસ્ક દ્વારા રોકી શકાય છે. તેને લઈને દરેક વ્યક્તિઓ માટે માસ્કને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. પરંતુ દીવા તળે અંધારું હોય તે પ્રકારે રાજ્યનો જાહેર આરોગ્ય વિભાગ કોરોના સંક્રમણના સાત મહિના બાદ પણ કેવા પ્રકારનું માસ્ક લોકોએ પહેરવું જોઈએ અથવા કેવા પ્રકારનું માસ્ક કોરોના સંક્રમણને રોકવા માટે સક્ષમ છે, તે અંગે હજુ પણ દ્વિધામાં જોવા મળી રહ્યું છે.
એક તરફ રાજ્ય સરકારે લોકોને માસ્ક ફરજિયાત પહેરવા માટેનો નિયમ બનાવ્યો છે, અને જે લોકો માસ્ક નથી પહેરતાં તેમને હજાર રૂપિયા સુધીનો દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી તરફ જાહેર આરોગ્ય વિભાગ માસ્કની ગુણવત્તા અને તેના પ્રકારને લઈને સાત મહિના બાદ પણ અનિશ્ચિત જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોએ હવે કેવા પ્રકારનું માસ્ક પહેરવું તેને લઈને ચિંતિત છે.