સુરત: વેસ્ટર્ન રેલ્વે વિભાગના GM અશોક મિશ્રાએ સુરત જિલ્લાના કોસંબા રેલવે સ્ટેશનની મુલાકાત કરી હતી. GM અશોક મિશ્રાએ આખા રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું હતું અને રોજિંદા અપ ડાઉન કરતા મુસાફરો તેમજ સ્થાનિક આગેવાનો સાથે વાતચીત કરીને તેમની રજૂઆતો સાંભળી હતી.
મુસાફરો અને સ્થાનિકોએ કરી રજૂઆત: કોસંબા સ્ટેશનમાં હાજર મુસાફરો અને આગેવાનોએ રજૂઆત કરી હતી કે, કોરોનાકાળમાં બંધ થયેલી ટ્રેનો ફરીથી શરુ થાય, નવી ટ્રેનોના સ્ટોપેજ વધે, રેલ્વે સ્ટેશન પર સુવિધાઓ વધે, રેલ્વે સ્ટેશન પર જે લિફ્ટ બંધ છે તે ચાલુ થાય, શૌચાલયની સાફ-સફાઈ નિયમિત થાય, રીક્ષા ચાલકો માટે પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી મૌખિક અને લેખિતમાં રજૂઆત કરી હતી. રેલ્વે અધિકારીએ તમામ રજૂઆતો સાંભળી ઝડપથી આ માંગણીઓ પૂર્ણ થાય, એ દિશામાં કામ કરવામાં આવશે, તેવું આશ્વાસન આપ્યું હતું.
લિફ્ટ કાયમ ચાલુ રહે તેવી માંગ: મુલાકાત વેળાએ કોસંબા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ યાસમીન દાઉદીએ જણાવ્યું કે, આજ રોજ રેલવે વિભાગના GM મુલાકાતે આવ્યા હતા. તેમને અલગ-અલગ પ્રશ્નોને લઇને રૂબરૂ રજૂઆત કરવામાં આવી છે. ટિકિટ બારીને લઈને પણ લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. તેમજ લિફ્ટ બંધ હોવાથી ઉંમરલાયક લોકો, સગર્ભા સ્ત્રીઓને વધુ તકલીફનો સામનો કરવો પડે છે. તેથી લિફ્ટ કાયમ ચાલુ રાખવામાં આવે, તે દિશામાં કામગીરી થાય તે પણ રજૂઆત કરવામાં આવી છે અને જે અન્ય રજૂઆત કરી હતી તેનો પણ અધિકારીએ યોગ્ય કામગીરીની બાંહેધરી આપી હતી.
આ પણ વાંચો: