જામનગરઃ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જામનગરની કોવિડ-19 હોસ્પિટલમાં પરીક્ષણ અર્થે આવેલા સેમ્પલમાં ગુરુવારે ત્રણ સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે.
લોકડાઉનમાં છૂટછાટ બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે જિલ્લાની જી જી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટરને કોવિડ ડ્યૂટી માટે અમદાવાદમાં મોકલવામાં આવી રહ્યાં છે, જેમાંના એક ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, તેમજ જામનગર ગ્રામ્યમાં લાલપુર અને સતાપરની બે મહિલાઓનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે.
![Three new cases of corona in Jamnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7570852_jamnagarrr.jpg)
જિલ્લાની કોવિડ હોસ્પિટલમાં હાલ 14 જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બુધવારે ત્રણ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જિલ્લામાં અત્યારે કોરોના પોઝિટિવની કુલ સંખ્યા 68 થઈ છે.