જામનગરઃ જામનગરમાં બાલાછડી સૈનિક સ્કૂલ ખાતે બાળકોએ 88માં એરફોર્સ દિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સાઈકલ રેલી પણ યોજાઈ હતી, જેમાં અધિકારીઓ, સ્ટાફ અને તેમના પરિવારજનોએ પણ ભાગ લીધો હતો અને 14 કિમી સુધીનું અંતર પૂરું કર્યું હતું.
દિવસ દરમિયાન ધોરણ 11ના વિદ્યાર્થીઓ દ્વારા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી “શા માટે હું એરફોર્સ અધિકારી બનવા માગુ છું?” વિષય પર એક વેબિનાર યોજાયો હતો. ભારતીય એરફોર્સ સંબંધિત પ્રેરાણદાયી વીડિયો પણ બાળકોને બતાવવામાં આવ્યા હતા. એરફોર્સ દિવસની ઉજવણીના ભાગરૂપે ફાઈટર એરક્રાફ્ટ મોડલ બનાવવાની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. કેડેટ્સે આ સ્પર્ધા દરમિયાન માટી, રૂ, ભીની માટી, કાર્ડ બોર્ડ, વાયર, કાગળ વગેરે જેવી સામગ્રીનો ઉપયોગ કરીને વિવિધ ફાઈટર એરક્રાફ્ટના મોડલ તૈયાર કર્યા હતા.
ધોરણ 6થી ધોરણ 8ની શ્રેણીમાં, કેડેટ અંશુ કુમાર અને કેડેટ મહોમ્મદ સાહિલ અનુક્રમે પ્રથમ અને બીજા ક્રમે આવ્યા હતા. જ્યારે ત્રીજા ક્રમે બે કેડેટ કૌશિક દાસ અને અંજો પલામટ્ટમ્ આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 9થી 12ની અન્ય એક શ્રેણીમાં કેડેટ નીલ પટેલ, કેડેટ શિવમસિંહ અને કેડેટ ઝીલકુમાર અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા ક્રમે આવ્યા હતા. આ ઉપરાંત ધોરણ 9ના કેડેટ અથર્વ શાહને ગાજરમાંથી એરક્રાફ્ટનું મોડલ તૈયાર કરવા બદલ વિશેષ ઈનામ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધન બાલાછડી સૈનિક સ્કૂલના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે કેડેટ્સને શુભેચ્છાઓ પાઠવી હતી.