જામનગરઃ શહેરમાં આવેલી સુભાષ શાકમાર્કેટ 6 મહિના બાદ ફરી શરૂ થઈ છે. લોકડાઉન દરમિયાન સુભાષ શાકમાર્કેટ બંધ કરવામાં આવી હતી. ત્યારે હાલ અનલોક હોવાથી વેપારીઓ છેલ્લા ઘણા સમયથી શાકમાર્કેટ શરૂ કરવાની માગ કરી રહ્યા હતા. જેથી 6 મહિના બાદ સુભાષ શાકમાર્કેટ ફરી શરૂ કરવામાં આવી છે.
આ અગાઉ મહિલા કોર્પોરેટર જેનબ ખફીએ વેપારીઓને સાથે રાખી કમિશ્નર ઓફિસ સામે ધરણા પણ કર્યા હતા. સુભાષ શાકમાર્કટ જામનગરના રાજવી જામ સાહેબે વર્ષો પહેલા વેપારીઓને દાનમાં આપી હતી અને હજુ પણ સુભાષ શાકમાર્કેટમાં 150 જેટલા વેપારીઓ ધંધા રોજગાર મેળવી રહ્યા છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે 3 હજાર લોકો શાકમાર્કેટમાંથી રોજગારી મેળવી રહ્યા છે.
વેપારી આગેવાન જ્ઞાનચંદે ETV BHARAT સાથે વાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે કોરોનાની ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, તેનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવશે. તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવશે. આ ઉપરાંત શાકમાર્કેટમાં પ્રવેશતા તમામ લોકોને ફરજીયાત માસ્ક પહેરવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.