- 5 લાખ 60 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરાયા
- કુલ 8 લાખ 62 હજારની ચોરી કરી આરોપીઓ ફરાર
- આરોપીને 11 દિવસના રિમાન્ડ પર લેવાયો
જામનગર: ખોજાબેરાજા ગામની સીમમાં ગત 21મી ફેબ્રુઆરીના મોડી રાત્રે હત્યાનો પ્રયાસ અને લુંટની ઘટના બની હતી અને લૂંટારું ટોળકીના 6થી 8 જેટલા સભ્યોએ વાડીમાં રહેતા એક પરિવારના ત્રણ સભ્યો પર જીવલેણ હુમલો કરી મકાનમાંથી રૂપિયા 8.62 લાખની કિંમતના સોનાના દાગીના મોબાઇલ ફોન અને કાર સહિતની માલમત્તાની લૂંટ ચલાવી ભાગી છૂટયા હતા.
પરપ્રાંતીય લૂંટારું ગેગ દ્વારા કરવામાં આવી હતી લૂંટ
જામનગર તાલુકાના ખોજાબેરાજા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રહેતા રામભાઈ વિક્રમભાઈ ઓડેદરાની વાડીમાં ગત 21મી તારીખના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં લુંટારૂ ગેંગ ત્રાટકી હતી અને મકાનમાંથી રૂપિયા 5 લાખ 60 હજારની કિંમતના સોના ચાંદીના દાગીના મોબાઇલ ફોન અને એક કાર સહિત કુલ 8 લાખ 62 હજારની માલમતાની ચોરી તમામને મકાનમાં અંદર પુરી ભાગી છૂટયા હતા.
હજુ બે આરોપી છે ફરાર
જે બનાવ અંગે પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યા પછી પોલીસે નાકાબંધી કરી હતી. પરંતુ લુંટારૂ શખ્સો ભાગી છૂટવામાં સફળ થયા હતા. બનાવ અંગેની ઊંડાણપૂર્વકની તપાસના અંતે જામનગર પોલીસને લૂંટની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા સાંપડી હતી અને મધ્યપ્રદેશના કૂકશી ધાર જિલ્લાના વતની જ્ઞાનસિંગ બનસીંગ દેવકા નામના એક લૂંટારૂ શખ્સોની અટકાયત કરી લીધી હતી. જામનગરની અદાલત સમક્ષ રજૂ કરી 11 દિવસના રિમાન્ડ પર લેવાયો હતો.
આ પણ વાંચો: બાવળા બગોદરા હાઈવે પર થયેલ લૂંટ મામલે 4 આરોપીની ધરપકડ
આરોપી અને તેના સાગરિતોની કરાઈ ધરપકડ
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેની સાથે અન્ય પાંચ સાગરિતો લૂંટના ઇરાદે આવ્યા હતા અને લૂંટની ઘટનાને અંજામ આપી કાર સહિતનો મુદ્દામાલ લઈને ભાગી છૂટયા હતા. પોલીસે તેના અન્ય પાંચ સાગરીતોને પકડવા માટે દોડધામ શરૂ કરી હતી. દરમિયાન જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ ઉપરાંત પેરોલ ફર્લો સ્કવોડ અને પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વગેરેએ સંયુક્ત રીતે તપાસનો દર અલગ અલગ દિશામાં દોડાવી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાંથી વધુ ત્રણ સાગરિતો દિનેશ રમણભાઈ મીનાવા, ભવાન રાયસીંગભાઈ વસુનિયા અને બાજડો ઉર્ફે કેરમસિંઘ આદિવાસી વગેરેને પકડી પાડયા હતા. જ્યારે તેના અન્ય બે સાગરીતો ભિલુભાઈ ઉર્ફે બીલુ આદિવાસી અને કરો આદિવાસી હજુ ફરાર હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
પોલીસે CCTV કેમેરાની મદદથી આરોપી સુધી પહોંચ્યા
પોલીસે સૌપ્રથમ પકડી પાડેલા આરોપી જ્ઞાનસિંઘ બનસીંગ દેવકા કે જે અગાઉ મેર પરિવારની વાડીમાં રહીને ત્રણેક વર્ષ પહેલા ખેતી કામ કરતો હતો પરંતુ કોઈપણ કારણસર ખેતી કામ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યાર પછી પોતે વાડી માલિક અંગેની તમામ ગતિવિધિ જાણતો હોવાથી અન્ય સાગરિતો સાથે ધાડ પાડવાના ઈરાદે આવ્યા હતા અને ખૂની હુમલો કરી ભાગી છૂટયા હતા. પરંતુ પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી તેમજ મોબાઇલ ફોનના ટાવર લોકેશન વગેરે મેળવીને ચાર શખ્સોને પકડી પાડયા છે. જ્યારે અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી લૂંટનો મુદ્દામાલ કબજે કરવા કાર્યવાહી હાથ ધરી છે.